કચ્છમાં આઉટસોર્સિંગ દ્વારા નાના કર્મીઓનું શોષણ

હેમંત ચાવડા દ્વારા ભુજ, તા. 15 : સરકારી કચેરીઓમાં 1996 બાદ ડ્રાઇવર, પટ્ટાવાળા, સફાઇ કામદારો સહિતની વર્ગ-4ની સીધી ભરતી બંધ થયા બાદ અસ્તિત્વમાં આવેલી આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા થકી ભરતી થતા નાના કર્મચારીઓનું ઠેકો લેતી એજન્સીઓ દ્વારા શોષણ થઇ રહ્યાનો આક્ષેપ ઊઠયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ડ્રાઇવર, પટ્ટાવાળા, સફાઇ કામદારો સહિતની વર્ગ-4ની સીધી ભરતી બંધ થયા બાદ આ જગ્યાઓ કરાર આધારિત આઉટસોર્સિંગથી ભરવાની એજન્સી નક્કી કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે છે, જેમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારે જે-તે એજન્સી સાથે કરાર કરવામાં આવે છે. ત્યારબાદ આ એજન્સીઓ પાસેથી જિલ્લાની જે-તે કચેરીઓ જરૂર મુજબ સ્ટાફની ભરતી કરે છે. આ એજન્સીઓ કેટેગરી વાઇઝ ભરતી કરી તેના પગાર બિલો સંલગ્ન કચેરીઓને મોકલી આપે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવી એજન્સીઓ સરકાર પાસેથી તગડા પગાર બિલો વસૂલી નાના કર્મચારીઓને સાવ ઓછી રકમના પગાર ચૂકવી શોષણ કરી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પંચાયત હસ્તકના જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા અંદાજે 96 જેટલા વોર્ડબોય, આયા, 20 જેટલા ડ્રાઇવરને સરકારી રેકર્ડ પર તો 2 ટકા જી.એસ.ટી. અને 2 ટકા ઇન્કમ ટેક્સ કાપી રૂા. 15 હજાર જેટલું વેતન ચૂકવાય છે, પરંતુ એજન્સી દ્વારા આવા કર્મચારીઓને 6300થી 7200 જેટલું જ વેતન અપાય છે, જે લઘુતમ વેતન કરતાં પણ ઓછું છે. તેવી જ રીતે પશુપાલન શાખાની તમામ કચેરીઓમાં 11 કોમ્પ્યુટર ઓપરેટર, 25 જેટલા એટેન્ડન્ટ કમ ડ્રેસર અને 2 ડ્રાઇવર તરીકે આઉટ સોર્સિંગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને જિલ્લા પંચાયતના રેકર્ડ પર અંદાજે 11 હજાર જેટલું વેતન ચૂકવાય છે પરંતુ એજન્સી તેમને 6300થી 7 હજાર જ ચૂકવે છે. જિલ્લા પંચાયતની દરેક શાખામાં ફરજ બજાવતા આવા આઉટસોર્સના કર્મચારીઓનું ખાનગી એજન્સીઓ શોષણ કરી રહી છે. જિલ્લા પંચાયત સંકુલમાં દરેક શાખામાં અંદાજિત 20 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને 12743 પ્રમાણે પગાર ચૂકવાયો હતો. જેમાંથી રા:. 1315 સી.પી.એફ., 428 જી.એસ.ટી. અને પી.ટી. ટેક્સ મળી 1743ની કપાત થાય છે. પરંતુ એજન્સી દ્વારા કર્મચારીઓના ખાતામાં રૂા. 7154 જમા કરાવાય છે. બાકીની રકમનું શું. જ્યારે ચોથા વર્ગના પાંચ કર્મચારીઓને પણ 12388 પગાર ચૂકવાય છે જ્યારે એજન્સી તેમને 6 થી 7 હજાર રૂપિયા ચૂકવે છે. આ ઉપરાંત આવી એજન્સીઓ દ્વારા છૂટા થયેલા કર્મચારીઓની કપાત થતી પી.એફ.-વીમાની રકમ પણ પરત કરાતી નથી, તેમ આ એજન્સી પી.એફ.-વીમાની રકમ ભરતી ન હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર રાજકીય વગ ધરાવતી આ એજન્સીઓને 2013માં કોન્ટ્રેક્ટ અપાયા બાદ લાંબા સમયથી રિન્યૂ જ કરવામાં આવી રહી છે. આ એજન્સીઓને શરતોનું પાલન કરવાનું હોય છે જેમાં જે-તે કચેરીના વખતોવખતના પરિપત્રો-ઠરાવોની અમલવારી, ટેન્ડરની શરતો, બાયોમેટ્રિકની સુવિધા પૂરી પાડવી, બેંકોમાં ડિજિટલી એન.ડી.એફ.ડી., આર.ટી.જી.ટી. મારફતે કર્મચારીઓના પગારનું ચૂકવણું, દરેક કર્મચારીઓના પગાર ખાતા ખોલાવવા, શ્રમ આયુક્ત કમિશનર કચેરીના નીતિ-નિયમોનું પાલન કરવું, દર મહિને પાંચ તારીખ સુધી પગાર ચૂકવી દેવા, પગાર સ્લીપ આપવી, પી.એફ.ના ખાતા ખોલાવી તેમાં રકમ જમા કરાવવી સહિતના નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ આ એજન્સીઓ નિયમોને ઘોળીને પી જાય છે. જિલ્લામાં ચાલતા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળની શાળાઓમાં પણ ફરજ બજાવતા ચોથા વર્ગના 44 જેટલા કર્મચારીઓને પગાર પેટે સરકાર દ્વારા દર માસે રૂા. 9 હજાર ચૂકવાય છે, પરંતુ એજન્સી તેમને માત્ર રૂા. 6 હજાર ચૂકવતી હોવાનો પણ આક્ષેપ ઊઠયો છે. આ તો માત્ર જિલ્લા પંચાયત હસ્તકના કચેરીમાં સ્ટાફ પૂરો પાડતી એજન્સીની વાત છે, જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ આવી અનેક એજન્સીઓ કાર્યરત છે, જે નાના કર્મચારીઓનું શોષણ કરી રહી છે. આ અંગે કલેકટર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સહિતની કચેરીમાં સ્ટાફ પૂરો પાડતા સોનલ ટેકનો એજન્સીના ઇશ્વરભાઇ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કર્મચારીઓના પગારમાંથી પી.એફ., જી.એસ.ટી., પ્રોફેશનલ ટેકસ કાપી લઘુતમ વેતન ચૂકવાય છે. જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં સ્ટાફ પૂરો પાડતી એ.બી. એન્ટરપ્રાઇઝના રાકેશભાઇ મોદીએ જણાવ્યું કે, સરકાર દ્વારા અપાતા કર્મચારીઓના પગારમાંથી 25 ટકા પી.એફ., 18 ટકા જી.એસ.ટી., પી.ટી. સહિતના ટેકસ કાપી બાકીની રકમ લઘુતમ વેતન મુજબ ચૂકવાય છે. તેમજ તેમણે દરેક કર્મચારીઓના પી.એફ.ના ખાતા ખોલાવી યુ. એન. નંબરની વિગતો તેઓને અપાઇ હોવાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer