આદિપુર અને નાના રેહામાં જુગારના દરોડા : સાત ખેલી પકડી લેવાયા

ગાંધીધામ, તા. 15 : આદિપુરનાં પંચમુખી હનુમાન મંદિર પાછળ જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી પોલીસે રૂા. 14,630 જપ્ત કર્યા હતા. તો બીજી બાજુ ભુજ તા.માં નાના રેહાના ક્રિકેટના મેદાનમાં જુગાર ખેલતા ત્રણ શખ્સો ઝડપાયા હતા, જ્યારે ત્રણ નાસી ગયા ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રૂા. 3120 જપ્ત કરાયા હતા. આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળ ક્રિકેટના મેદાનમાં ગંજીપાના વડે જુગાર રમતા સાગર રમેશ ઠક્કર, સૂરજ બુદ્ધિલાલ સથવારા, તુલસી ઉર્ફે રવિ ઉર્ફે ચેવડી પેથા મહેશ્વરી અને રાજુ માવજી દેવીપૂજક નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. જાહેરમાં પત્તાં ટીચતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,630 તથા 3 મોબાઈલ એમ કુલ રૂા. 14,630નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી બાજુ નાના રેહા ગામના ક્રિકેટના મેદાનમાં ગત રાત્રે જુગાર ચાલતી હતી. દરમ્યાન પોલીસ ત્રાટકી હતી અને અરજણ નાગશી મહેશ્વરી, મોતીસિંહ વિજયરાજજી જાડેજા અને રઘુભા ઉર્ફે જગુભા શંકરજી જાડેજા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે સાલેમામદ ઈકબાલ ભટ્ટી, ઈબ્રાહીમ લતીફ લુહાર તથા મજીદ અબ્બાસ ભટ્ટી નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 3120 હસ્તગત કરાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer