નખત્રાણામાં ઠેકઠેકાણે વીજ વાયરો તૂટતાં પુરવઠો ઠપ રહ્યો

નખત્રાણા તા. 15 : આજે સોમવારે સવારે દસેક વાગ્યાની આસપાસ અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે પવન અથવા બીજા કોઇ કારણોસર જીવતો વીજ વાયર તૂટતાં તેમજ આ વાયર બીજા વાયર પર પડવાથી નગરના વિવિધ વિસ્તારોમાં વીજ વાયરો તૂટતાં પાંચેક કલાક વીજપુરવઠો ખોરવાયો હતો. સવારે 11 વાગ્યે લાઇટ જતાં પુન: ત્રણેક વાગ્યાની આસપાસ પૂર્વવત થયો હતો. છેલ્લા કેટલાય સમયથી આ નગરમાં વીજ ધાંધિયા વધ્યા છે અને તેનું કારણ અવારનવાર વીજ વાયરો તૂટવાના બનાવો બનતાં રહે છે. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય છે. તેનું કારણ નગરના મોટાભાગના વીજ વાયરો જર્જરિત બન્યા છે અને તેને તાકીદે બદલવાની જરૂરિયાત છે. આજે સવારે અગિયારેક વાગ્યાની આસપાસ વીજપુરવઠો બંધ થતાં લોકોને હાલાકી થઇ હતી તો સલગ્ન ધંધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારી કચેરીઓ પણ લાઇટ ન હોવાને કારણે પરેશાન થઇ હતી. જો કે આજે પશ્ચિમી વિક્ષેપ સર્જાતા અને તેના કારણે વાદળછાયું વાતાવરણ રહેતાં ગરમીમાં લોકોને રાહત થઇ હતી. નગરમાં આઠ દસ જગ્યાએ વીજ વાયરો તૂટવાના બનાવ બનતાં પી.જી.વી.સી.એલ. કર્મચારીઓની યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરતાં પાંચેક કલાક બાદ વીજપૂરવઠો યથાવત થયો હતો. વીજતંત્ર દ્વારા ખરેખર નગરમાં જર્જરિત વીજ વાયરોની (આકરણી) સર્વે કરી તાત્કાલિક વાયરો બદલવા જોઇએ તેવી નગરજનોની માંગ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer