અંજારમાં રામનવમીની રથયાત્રા દરમ્યાન તસ્કરો ભારે સક્રિય

ગાંધીધામ, તા.15: અંજારમાં રામનવમી નિમિત્તે નીકળેલી રથયાત્રાને નિહાળવા આવેલા લોકોના મોબાઈલ ફોન,પાકિટ ચોરાયા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. અલબત, આ મુદ્દે પોલીસ ચોપડો કોરો જ રહ્યો હતે. અંજારમાં દર વર્ષે રામનવમીના દિવસે ગુજરાતની બીજા નંબરની ભવ્ય રથયાત્રા નીકળે છે. જેને જોવા બહોળી સંખ્યામાં આસ્થાળુઓ ઊમટતા હોય છે. ગઈકાલે નીકળેલી રથયાત્રામાં લોકોની ભીડનો લાભ લઈ તસ્કરોએ આતંક મચાવ્યો હતો. રથયાત્રાને માણવા આવેલા લોકાના 20 જેટલા મોબાઈલ અને પાકિટ ચોરાયા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આજે સવારથી અંજાર પોલીસ મથકમાં મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ લખાવવા અનેક લોકો આવ્યા હતા. પરંતુ આ મુદે વિધિવત રીતે એક પણ ફરિયાદ ચોપડે નોંધાઈ ન હતી. લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ માત્ર ગુમ નોંધ અરજી સ્વીકારે છે. ચોરીની ફરિયાદ નોંધાતી જ નથી. આરોપી પકડાઈ ગયા બાદ કામગીરી બતાવવાના હેતુસર પાછળથી ફરિયાદ નોંધવામાં આવે છે. આ મુદ્દે લોકોએ નારાજગી વ્યકત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer