અંજારમાં આઈપીએલના સટ્ટાનો પર્દાફાશ :પાંચની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : અંજારમાં સ્થાનિક પોલીસે આજે મોડી સાંજના અરસામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રમતા સટ્ટાનો પર્દાફાશ કરી 5.11 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને દબોચી લીધા હતા.   પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે અંજારના બસ સ્ટેશન વિસ્તારમાં મેવાવાલા કોમ્પલેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગણેશ ટ્રાવેલ્સ નામની ઓફિસમાં આરોપી દુકાનમાલિક રાજેન્દ્રસિંહ રઘુનાથસિંહ સોલંકી મોબાઈલ ફોન ઉપર એપ્લિકેશન મારફત ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા  નાઈટ રાઈડર્સની મેચ ઉપર સટ્ટો રમાડતો હતો. પોલીસે આ કાર્યવાહી દરમ્યાન વિઠ્ઠલસિંહ અમરસિંહ ચાવડા, નિરજ રામજી ભાટિયા, મેહુલ રાજેશ પ્રજાપતિ અને મીત પ્રતાપ જરૂને પણ ઝડપી પાડયા હતા. ઓફિસમાંથી રૂા. 36 હજાર રોકડા, બે લેપટોપ, 7 મોબાઈલ ફોન, એક કાર અને બે બાઈક સહિત રૂા. 5.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer