દિલ્હી સામે હૈદરાબાદને મળી હાર

હૈદરાબાદ, તા. 14 : રબાડા અને મોરિસની બોલિંગના બળે દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 39 રને હાર આપી આઈપીએલમાં વધુ એક જીત પોતાના નામે કરી હતી. દિલ્હીએ 20 ઓવરમાં સાત વિકેટે 155 રન બનાવ્યા બાદ હૈદરાબાદ 18.5 ઓવરમાં 116માં ઓલઆઉટ થયું હતું. હૈદરાબાદનો આરંભ સારો રહ્યો હતો અને ઓપનરો વોર્નર તથા બેરસ્ટોએ 10મી ઓવરમાં ટીમને 72 રને પહોંચાડી દીધી હતી પરંતુ બેરસ્ટો (31 દડામાં પાંચ ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41)ની વિદાય બાદ વિકેટ પડવાની શરૂ થઈ હતી. વોર્નરે એક છેડો સાચવી 51 રન બનાવ્યા હતા પરંતુ તેના સિવાયના બેટધરોએ દિલ્હીની બોલિંગ સામે શરણાગતિ લેતાં ટીમ 116 રન પર સીમિત રહી હતી અને ગૃહમેદાન પર હાર ચાખવી પડી હતી. દિલ્હીએ બોલિંગ મોરચે આણ વર્તાવી હતી. રબાડાએ 22 રનમાં ચાર અને મોરિસે 22 રનમાં 3 વિકેટ અને પોલે પણ 17 રનમાં 3 વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો.  આરંભમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 155નો મધ્યમ જુમલો નોંધાવ્યો હતો. સુકાની શ્રેયસ ઐયર અને કોલિન મુનરોને બાદ કરતાં કોઇ બેટધર ક્રિઝ પર જામી શક્યો નહોતો. મુનરોએ માત્ર 24 દડામાં ચાર ચોગ્ગા, 3 છગ્ગા સાથે 40 રન કર્યા હતા. પાંચ રન માટે અર્ધસદી ચૂકેલા સુકાની ઐયરે 40 દડામાં પાંચ ચોગ્ગા સાથે 45 રન કર્યા હતા. પહેલી બે વિકેટ માત્ર 20 રનમાં ખોઇ દેનારી દિલ્હી દબાણ તળે આવી ગયા બાદ મુનરો અને ઐયરે સ્કોર બોર્ડને થોડી ગતિ આપી હતી. પૃથ્વી શો (4) અને શિખર ધવન (7)એ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંતે 19 દડામાં 3 ચોગ્ગા, સાથે  23 રન કરી જામવાનો પ્રયાસ કર્યો, ત્યાં જ અહેમદના દડામાં હુડાને કેચ આપી બેઠો હતો. અણનમ રહેલા અક્ષર પટેલે 11 દડામાં 1 ચોગ્ગા સાથે 14 રન કર્યા હતા. હૈદરાબાદ વતી અહમદે ત્રણ વિકેટ લીધી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer