ભુજ વિધાનસભા વિસ્તાર હંમેશાં ભાજપ સાથે

ભુજ વિધાનસભા વિસ્તાર હંમેશાં ભાજપ સાથે
ભુજ, તા. 14 : કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઇ ચાવડાના ભુજ વિધાનસભા ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયને રવિવારે ખુલ્લું મૂકાયું ત્યારે ચૂંટણી અન્વયે પક્ષના કાર્યકરોની વિવિધ કામગીરીના સંકલન અને સમીક્ષા માટે આ કાર્યાલયનો મહત્તમ ઉપયોગ કરી ભાજપને વિજયી બનાવવા હાકલ કરાઇ હતી. ભુજ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા ભુજ શહેર ઉપરાંત તમામ ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસ કાર્યક્રમો ઉપરાંત તમામ શક્તિ કેન્દ્રો હેઠળ આવતા બૂથોના પેજ પ્રમુખો સુધીનું સંકલન આ કાર્યાલયના માધ્યમથી થશે.ઉદ્ઘાટન વેળા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભુજ વિધાનસભા વિસ્તાર હંમેશાં ભાજપની તરફેણમાં રહ્યો છે અને છેલ્લી અનેક ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને મોટી સરસાઇ અપાવવામાં ભુજ ક્ષેત્રનો સિંહફાળો રહ્યો છે, જે આવનારી ચૂંટણીમાં પણ રહેશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઉપસ્થિત તમામ કાર્યકરોને હવેથી દિવસ-રાત અથાક મહેનત કરવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, વિનોદભાઇની જીત નિ:સંદેહપણે નિશ્ચિત છે. આ પ્રસંગે તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વડે થયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરી ભુજના મતદાતાઓને પણ વિનોદભાઇને ભારી સરસાઇથી વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી.પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, કચ્છના તરવરિયા યુવાન સાંસદ વિનોદભાઇએ પાછલા પાંચ વર્ષમાં અવિરતપણે જન- જન સુધીનો સંપર્ક જાળવી રાખીને કચ્છને લગતી સમસ્યાઓનો સુયોગ્ય ઉકેલ લાવી વિકાસયાત્રાને કચ્છ સુધી સુપેરે ખેંચી લાવવામાં ખૂબ કુનેહપૂર્વક કામગીરી બજાવી છે.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, લોકસભા સીટ વિસ્તારક પ્રતાપભાઇ કોટક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બાપાલાલભાઇ જાડેજા, ઇન્ચાર્જ દિલીપભાઇ ત્રિવેદી, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઇ ખંડોર, કિસાન મોરચા પ્રમુખ મહેન્દ્રભાઇ ગઢવી, યુવા મોરચા પ્રમુખ રાહુલભાઇ ગોર, લઘુમતી મોરચા પ્રમુખ આમદભાઇ જત, નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, રામભાઇ ગઢવી, ભરત રાણા, નવીનભાઇ લાલન, ધનજીભાઇ ભુવા, દેવરાજભાઇ ગઢવી વગેરે આગેવાનો તથા પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની વ્યવસ્થા મનુભા જાડેજા, અજય ગઢવી, અનવર નોડે, મયૂરસિંહ જાડેજા, જગત વ્યાસ, ભૌમિક વચ્છરાજાનીએ સંભાળી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer