સેનાપતિ ઓરસિયા મેઘવાળની પ્રતિમાનું મોટા મતિયા દેવ મંદિર પરિસરમાં લોકાર્પણ

સેનાપતિ ઓરસિયા મેઘવાળની પ્રતિમાનું મોટા મતિયા દેવ મંદિર પરિસરમાં લોકાર્પણ
નલિયા, તા. 14 : સુમરીઓનું શીયળ બચાવવા જામ અબડાએ યુદ્ધ કર્યું હતું. યુદ્ધના અંતિમ પડાવમાં તેમની સેનાના સેનાપતિ તરીકે સેવા આપી વીરગતિ પામનારા ઓરસિયા મેઘવાળની સ્મૃતિમાં દાતાના સહયોગથી રૂા. 5.20 લાખના ખર્ચે પ્રવેશદ્વાર અને ઓરસિયાની પ્રતિમાનું ગુડથર ખાતે મોટા મતિયા મંદિર પરિસરમાં નિર્માણ થતાં તેનું લોકાર્પણ દાતા પરિવારના ગં.સ્વ. જાનબાઇ લખુભાઇ કટુઆ, તા.પં. પ્રમુખ અજબાઇ ગોરડીયાએ કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઇતિહાસને યાદ કરાશે તો આવનારી પેઢીને તેનો ખ્યાલ રહેશે. તેમણે આવા સ્થળોને પુરાતત્વીય સ્થળ તરીકે ઘોષિત કરવા માંગ કરી હતી.આ નિમિત્તે લેખક કાનજી મહેશ્વરી `રખિયો' લિખિત પુસ્તક `વીર ઓરસિયો મેઘવાળ'નું વિમોચન કરાયું હતું.સ્વ. લખુભાઇ કાનજીભાઇ કટુઆ હ. વૈભવ લાલજીભાઇ કટુઆ દ્વારા મળેલા દાનમાંથી નિર્માણ પામેલા બાંધકામ અંગે દાતા પરિવાર વતી લાલજીભાઇ કટુઆએ ઓરસિયા મેઘવાળના ઇતિહાસને 750 વર્ષના વહાણા વહી ગયા છે તેમ છતાં શૌર્ય, સમર્પણ અને શહાદત વહોરવા મેઘવાળ સમાજને પ્રેરણા લેવા આહવાન કરી થયેલા બાંધકામની કાયમી જાળવણી માટે તત્પરતા દર્શાવી હતી.અબડાના વંશજ એવા રતનજીભાઇ અબડાના પ્રમુખ?સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે અબડાની શૌર્યગાથા વર્ણવતી કચ્છી સંઘર રજૂ કરી હતી.પુસ્તિકાના લેખક કાનજીભાઇ રખિયાએ ઓરસિયા મેઘવાળને મામૈદેવ અર્પિત પંડ પ્રવેશ વિદ્યાની વિગતો આપી શૌર્યગાથા વર્ણવી હતી. ખેતશીભાઇ મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે સામાજિક અગ્રણી છત્રસિંહ જાડેજા, ગેબી મતિયાદેવના પ્રમુખ દેવજીભાઇ મહેશ્વરી, રાયધણજરના મૂરજીભાઇ મહેશ્વરી, ઓરસિયા મેઘવાળના વંશજો અશોકભાઇ નીંજાર, તાલુકા ભાજપ મહામંત્રી હિમંતસિંહ જાડેજા, ગુલાબ કટુઆ, વેરશીભાઇ સંજોટ, મનજીભાઇ મહેશ્વરી, નલિયા મહેશ્વરી સમાજના પ્રમુખ રમેશ મહેશ્વરી, માલશી પાતારિયા ઉપરાંત હાલાર, જામનગર, નીંજાર સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રમેશભાઇ રોશિયાએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer