પાકે ત્રીજી ભૂલ કરી તો લેને કે દેનેનો તાલ

મુરાદાબાદ, તા. 14 : રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ચૂંટણી સભા પછી મુરાદાબાદમાં રેલી દરમ્યાન પાકિસ્તાનને ચેતવણી આપી હતી. મોદીએ પાકિસ્તાનને આખરીનામું આપતાં કહ્યું કે, હવે એ બાજુવાળાઓને સમજમાં આવી ગયું છે કે, ત્રીજી ભૂલ કરવાની હિંમત કરી તો `લેને કે દેને' જેવું થઇ જશે. મોદીએ સભા દરમ્યાન કહ્યું કે, દુનિયામાં એની જ વાત સાંભળવામાં આવે છે જેમાં દમ હોય છે, જે માત્ર રોતો રહે છે તેનું કોઇ નથી સાંભળતું. દરમ્યાન અલીગઢ ખાતેની રેલીમાં  મોદીએ દાવો કર્યો હતો કે, આ વખતે ભાજપને કોંગ્રેસ કરતાં ત્રણગણી વધારે બેઠક મળનારી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિરોધીઓને માહિતી મળી ગઇ છે કે, હવે તેમનું ટકવું મુશ્કેલ છે અને પરાજયના કિનારે તેઓ ઊભા છે.  મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં સભા યોજી હતી. કાશ્મીરમાં કલમ 370 અને 35-એને ખતમ કરવાના વચનને લઇને ભાજપ પર પ્રહાર કરી રહેલા ટીડીપી અને નેશનલ કોન્ફરન્સ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને આ બે પરિવારોએ બરબાદ કરી નાખ્યા છે. બંને પક્ષોને જમ્મુ-કાશ્મીરમાંથી ઉખાડી ફેંકવા અપીલ કરી હતી.  મોદીએ આ ગાળા દરમિયાન કોંગ્રેસને પણ નિશાના પર લીધી હતી અને આક્ષેપ કર્યો હતો કે,  કોંગ્રેસ પાર્ટી આતંકવાદીઓ અને  અલગતાવાદીઓની સાથે ઊભી છે. તેમના પ્રત્યે હળવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પીએમે કહ્યું હતું કે, આ વખતે દેશભરમાં પ્રચંડ લહેર છે. મુફતી અને અબ્દુલ્લા પરિવાર પર તેજાબી પ્રહાર કર્યા હતા. મુફતી અને અબ્દુલ્લા પરિવારને ચેતવણી આપતાં કહ્યું કે, મોદી ક્યારે પણ ભયભીત થશે નહીં અને ક્યારે પણ ઝૂકશે નહીં. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer