`મોદીના હેલિકોપ્ટરમાંથી ઊતર્યો કાળો પટારો''

નવી દિલ્હી, તા. 14 : લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક રાજકીય વંટોળ આવી ગયો છે. કોંગ્રેસ પક્ષે ગઇકાલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમ્યાન નજરે પડેલા રહસ્યમય કાળા પટારા સંદર્ભે સવાલ ઉઠાવ્યો છે અને તપાસની માગણી કરી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં એક ફરિયાદ નોંધાવીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક સંદિગ્ધ બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયું હતું. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પ્રવક્તા આનંદ શર્માએ પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર ઘટના સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેની તપાસની માગણી કરવામાં આવી હતી. શર્માએ કહ્યું હતું કે, એ કાળા રંગના પટારામાં શું    હતું ? તેની તપાસ પંચે કરવી જોઈએ અને વડાપ્રધાને આમાં સ્વચ્છ પુરવાર થવું જોઈએ. શર્માએ આગળ કહ્યું હતું કે, વડાપ્રધાનના હેલિકોપ્ટરની સાથે વધુ ત્રણ ચોપર હતા. ઊતરાણ બાદ એક કાળી પેટીને બહાર કાઢીને એક ખાનગી કારમાં મૂકી દેવામાં આવી હતી. જે વડાપ્રધાનના એસપીજી કાફલાનો હિસ્સો નહોતી. ઉલ્લેખનીય છે કે શનિવારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના  અધ્યક્ષ દિનેશ ગુંડુરાવે 1પ સેકન્ડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર જારી કર્યો હતો. જેમાં દેખાતું હતું કે  વડાપ્રધાનના બે સુરક્ષાકર્મીએ હેલિકોપ્ટરમાંથી કાળી પેટી ઉતારીને ફટાફટ એક ખાનગી એસયુવી કારમાં મૂકી દીધી હતી. કોંગ્રેસે આ બ્લેક બોક્સ સામે સવાલો ઉઠાવીને પંચ તાત્કાલિક તેની તપાસ કરે તેવી માગણી ઉઠાવી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer