જેટના 1100 પાઇલટ આજથી ઉડાન નહીં ભરે

મુંબઈ, તા.14 : સંકટમાંથી પસાર થઈ રહેલી જેટ એરવેઝના પાઇલટના રાષ્ટ્રીય સંગઠન `નેશનલ એવિએટર્સ ગિલ્ડ' (એનએજી)થી જોડાયેલા આશરે 1100 પાઇલટે `પગાર ચૂકવણી થઈ ન હોવાથી' આવતીકાલ સોમવાર સવારના 10 વાગ્યાથી વિમાન ન ઉડાડવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્રએ આજે આ જાણકારી આપી હતી. પાઇલટની સાથેસાથે એન્જિનીયર અને વરિષ્ઠ પ્રબંધકોને જાન્યુઆરી મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી. દરમ્યાન, જેટની હરીફ કંપની સ્પાઈસજેટે મોકાનો ફાયદો ઉઠાવી હરીફ કંપનીના પાઇલટ અને એન્જિનીયરને તેમના વર્તમાન પગારથી અડધા પગારે નોકરી આપી રહી છે.કરજમાં ડૂબેલી આ કંપનીએ અન્ય વર્ગના કર્મચારીઓને પણ માર્ચનો પગાર ચૂકવ્યો નથી. ગિલ્ડના એક સૂત્રે જણાવ્યું હતું કે હજુ સુધી અમને આશરે વીતેલા સાડા ત્રણ મહિનાનો પગાર મળ્યો નથી અને અમે જાણતા નથી કે અમારો પગાર ક્યારે મળશે. અમે 15 એપ્રિલથી વિમાન નહીં ઉડાવાના નિર્ણયમાં આગળ વધશું. એનએજીના તમામ 1100 પાઇલટ આવતીકાલ સવારથી ઉડાન ભરશે નહીં. એનએજી કુલ 1600 પાઇલટમાંથી 1100 પાઇલટના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. સંગઠને માર્ચના અંતમાં પહેલી એપ્રિલથી વિમાનની ઉડાન ન ભરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં તેને 15 એપ્રિલ સુધી ટાળી દીધો હતો. નવા મેનેજમેન્ટને સમય આપવા માટે તેમણે નિર્ણય ઠેલ્યો હતો. ભારતીય સ્ટેટ બેન્કની આગેવાનીમાં બેન્કોનો એક સમૂહ હાલના દિવસોમાં જેટ એરવેઝનું મેનેજમેન્ટ સંભાળી રહ્યું છે. દરમ્યાન, ઉદ્યોગસૂત્રો અનુસાર સ્પાઈસજેટે જેટ એરવેઝના પાઇલટ અને એન્જિનીયરોને પોતાની તરફે લેવાનું શરૂ કર્યું છે. જેટના પાઇલટોને વર્તમાન પગારથી 25-30 ટકા ઓછા પગારે તથા એન્જિનીયરોને તેમના પગારથી 50 ટકા ઓછા વેતને સ્પાઈસ જેટમાં આવી જવા કહેવામાં આવી રહ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ સ્પાઈસજેટ સહિતની અન્ય વિમાન કંપનીઓ આ પાઇલટોને વધુ પગાર અને બોનસ સાથે પોતાની તરફ ખેંચતી હતી. વિમાન ઉદ્યોગના ટોચના સૂત્રે કહ્યું કે જેટ એરવેઝ બંધ થવાની સંભાવના વધુ હોવાથી તેના પાઇલટ-કર્મચારીઓ ઓછા પગારે પણ બીજી જગ્યાએ જઈ રહ્યા છે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer