ગુજરાતમાં પક્ષોનો પ્રચારજંગ હવે જામશે

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષના નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવતીકાલે સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે જ્યારે 17મી એપ્રિલને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બીજા દિવસે ગુરુવારે સૌરાષ્ટ્રના અમરેલીમાં ચૂંટણી સભા યોજશે. તે જ દિવસે બીજા રાઉન્ડમાં ગુજરાત આવનારા કોંગ્રેસ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં સભાનું આયોજન આખરી તબક્કામાં છે. દરમિયાન  કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે. તેઓ આવતીકાલે 15 એઁપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણીસભાઓ સંબોધશે .ત્યારબાદ  તેઓ 18 એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. આ ઉપરાંત 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં પણ તેઓ જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે.  જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી 2-30 કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપની જાહેરસભા સંબોધશે. બુધવારે ત્યાંથી સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે 7 વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપની સ્થિતિ અંગે સમીક્ષા પણ યોજશે. બીજા દિવસે 18 એપ્રિલને ગુરુવારે સવારે વડાપ્રધાન મોદી અમરેલીમાં ચૂંટણી સભા યોજશે.  ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતાં પહેલાં કોંગ્રેસ અને ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવવા શરૂ થઇ ગયા છે. આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે અમદાવાદ પશ્ચિમ બેઠકની મુલાકાત લીધી હતી અને ત્યાં વસતા મરાઠી સમુદાયને સંબોધ્યા હતા. આગામી સમયમાં કેન્દ્રીયપ્રધાન સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઇરાની ઉપરાંત યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સભાઓ સંબોધશે. જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, શત્રુઘ્નસિંહા, ઉર્મિલા માતોડકર, અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં મતો અંકે કરવા ઝંઝાવાતી ચૂંટણી સભાઓ ગજવશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer