ભુજથી પશ્ચિમ કચ્છ સુધી નર્મદાનાં પાણી વધ્યાં

ભુજ, તા. 14 : કચ્છમાં ગત ચોમાસા દરમિયાન તદ્દન નહીંવત વરસાદ થવાને કારણે મોટા ભાગના ડેમોમાં પાણીની આવક શૂન્ય હતી. પાણીની અછતને નિવારવા અને ઉનાળામાં પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે તાકીદના ધોરણે અંજારથી કુકમા સુધીની રૂા. 8.50 કરોડ લિટર પાણી વહન કરી શકે તેવી ક્ષમતાની પાઇપ લાઇન નાખવાનું નક્કી કરાયું. જિલ્લા સમાહર્તા રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા અને જીડબલ્યુઆઇએલના અધિકારીઓ દ્વારા રૂા. 124.42 કરોડના અંદાજો બનાવીને તાત્કાલિક ધોરણે તેની મંજૂરી મેળવી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને આ કામોને યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, લોકસભા-2019ની ચૂંટણી અંગેની કામગીરીની સતત વ્યસ્તતા વચ્ચે કલેકટર રેમ્યા મોહન દ્વારા નાગરિકોને પાણીની અગવડ ન પડે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ અપાયો હતો. આ અંગેની વધુ વિગતો આપતાં જીડબલ્યુઆઇએલના સિનિયર મેનેજર સી. બી. ઝાલાએ માહિતી ખાતાને જણાવ્યું હતું કે, અંજારથી કુકમા સુધીની નવી લોખંડની પાઇપલાઇન 1220 મિ.મી. વ્યાસની 27.5 કિલોમીટર અને સાપેડાથી રતનાલ સુધી હયાત પાઇપલાઇનને સમાંતર 7 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ કામગીરી ફકત ચાર માસની સમયમર્યાદા આપીને ચાલુ કરવામાં આવી હતી. આટલા મોટા જથ્થામાં પાઇપલાઇનનું ઉત્પાદન કરાવવામાં આવ્યું અને સાઇટ ઉપર હિટાચી, જેસીબી, હાઇડ્રા લોડર વગેરે જેવા સાધનો મોટા જથ્થામાં કામે લગાડીને ફકત ત્રણ માસ અને પાંચ દિવસના ટૂંકાગાળામાં 34.5 કિલોમીટર પાઇપલાઇન ઉત્પાદન કરી સાઇટ ઉપર લાવી તેનું ફિટિંગ કરીને કામગીરી તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર એલ. જે. ફુફલના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ આ પાઇપલાઇનનું ટેસ્ટિંગ શરૂ કરીને નવી બનેલી પાઇપલાઇનમાં હવેથી નિયમિત ધોરણે પાણી વહેવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ નવી પાઇપલાઇન શરૂ થતાં અંજારથી ભુજ અને પશ્ચિમ કચ્છમાં મોકલવામાં આવતા સરેરાશ 90 એમ.એલ.ડી. (9 કરોડ લિટર) જથ્થામાં વધારો કરી નવી પાઇપલાઇન શરૂ કરાતાં 115 એમ.એલ.ડી. (11.5 કરોડ લિટર) એટલે કે 25 એમ.એલ.ડી. 2.5 કરોડ લિટર પાણીનાં જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.ભુજ શહેરને આ પાઇપલાઇન શરૂ થતાં પહેલાં કુકમાથી અંજાર સમ્પથી એરવાવાલ્વ કનેકશનોથી કુલ સરેરાશ 30 એમ.એલ.ડી.ની સામે હાલ 40 એમ.એલ.ડી. જેટલું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ હિસાબે ભુજ શહેરમાં 1 કરોડ લિટર પાણીનો જથ્થો વધારવામાં આવ્યો છે. કુકમાથી ભુજના બન્ની વિસ્તારમાં નવી પાઇપલાઇન નખાયા પહેલાં સરેરાશ 8 એમએલડી પાણી મળતું હતું જે હવે સરેરાશ 11 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ રીતે બન્ની વિસ્તારમાં ઉનાળાની શરૂઆત પહેલાં 30 લાખ લિટર પાણીના જથ્થામાં વધારો થયો છે. આ જ રીતે પશ્ચિમ કચ્છના અબડાસા-લખપતનાં ગામો અને નખત્રાણા તાલુકાના થોડા ગામોને પાણી પૂરું પાડતા ખીરસરા પમ્પિંગ સ્ટેશન પર આ પાઇપલાઇન પહેલાં 17 એમએલડી પાણી મળતું હતું જે હવે આ પાઇપલાઇન શરૂ થઇ જતાં રપ એમએલડી પાણી મળે છે. આમ આ 3 તાલુકામાં 80 લાખ લિટર જેટલા પાણીના જથ્થામાં વધારો થયો છે. ભુજ વિસ્તારના બન્ની સિવાયના ગ્રામીણ વિસ્તારમાં, માંડવીના ગઢશીશા વિસ્તારના ગામોમાં સરેરાશ ર એમએલડી જેટલો પાણીનો વધારો થઇ શક્યો છે. આ પાઇપલાઇન શરૂ થવાથી આવતા ઉનાળાનાં દિવસોમાં ટપ્પર તેમજ માળિયાથી આવતા નર્મદાના નીર સારા જથ્થામાં હવે આપી શકાશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer