ગાંધીધામમાં સટ્ટા સાથે હુક્કાબારનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 14 : શહેરના સેક્ટર 1-એ વિસ્તારમાં ડો. જિતેન્દ્ર ઝીબાની હોસ્પિટલ પાસે આવેલા રાધે કોમ્પ્લેક્સની ધ ફલેવર ફૂડ એન્ડ બુવઝીર્સ નામની હોટલમાં આર.આર. સેલની ટીમે છાપો મારીને સફળ દરોડો પાડી સ્થાનિક પોલીસનું નાક કાપી નાખ્યું હતું. આ હોટેલમાંથી ક્રિકેટના સટ્ટા તથા હુક્કાબારનો પર્દાફાશ કરાયો હતો. દરોડા દરમ્યાન ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શહેરના સેક્ટર 1-એમાં આવેલા રાધે કોમ્પ્લેક્સમાં ધ ફલેવર ફૂડ એન્ડ બુવઝીર્સ નામની હોટલમાં આર.આર. સેલે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ હોટલના સંચાલક નરેન્દ્રસિંહ ભીમસિંહ વાઘેલા તથા નવીન રાજભા ગઢવી, રાજભા જુવાનસિંહ વાઘેલા તથા ચિરાગ ધરમશી મઢવીની ધરપકડ કરવામાં આવી હતી. આ પકડાયેલા પૈકી ત્રણ શખ્સોને પોતાના મોબાઇલમાં ડાયમંડ ડોટ કોમ નામની એપ્લેકેશન ડાઉનલોડ કરી, કિંગ્સ ઇલેવન પંજાબ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચનું જીવંત પ્રસારણ જોઇ પોતાના ગ્રાહકોને ઓનલાઇન સટ્ટો રમાડતા હતા. આ શખ્સો પાસેથી મોબાઇલ, ટી.વી., સેટટોપ બોક્સ, કાર નંબર જી.જે. 12-ડી.જી. 5657 મળીને કુલ્લ રૂા. 5,62,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તેમજ ચિરાગ મઢવી પાસેથી છરી મળી આવતાં તેના વિરુદ્ધ અલાયદી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ જ હોટલમાં હુક્કાબાર ધમધમતો હતો. જે અંગે આશ્ચર્યજનક રીતે સ્થાનિક  પોલીસ અજાણ હતી. તંબાકુ નિયંત્રણ ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરતા આ શખ્સો વિરુદ્ધ અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હુક્કાબારમાં 22 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી જુદા જુદા ફલેવરની તંબાકુ હુક્કામાં નાખવા કોલસો, 13 હુક્કા, ફિલ્ટર, ચીપિયા વગેરે સામાન એમ કુલ્લ રૂા. 27,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. પોલીસના આ દરોડા દરમ્યાન હુક્કાબારમાં હુક્કાનું સેવન કરતા વિજય નારાણ ફુલિયા, સંદીપ કાનજી ચૌહાણ, અક્ષય રવજી પટેલ, વિરલ નારાણ આહીર, શાહરુખ અજિત લખારા, લોકેશ પરસોત્તમ હંસરાજાણી અને ભાવેશ ધનજી બાલાસરા નામના યુવાનો મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આર.આર. સેલના આ દરોડાથી સ્થાનિક પોલીસમાં રીતસર દોડધામ થઇ પડી હતી. સેલના આ દરોડા બાદ હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવી ચર્ચા પોલીસ બેડાંમાં થઇ રહી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer