બન્નીમાં ઊડતી ધૂળની ડમરીઓ વચ્ચે ગરીબ વર્ગ માટે રોજીનું એક માત્ર સાધન ગાંડો બાવળ

ભિરંડિયારા (તા. ભુજ), તા. 14 : એક વખતના ઘાસિયા પ્રદેશ બન્નીમાં હવે તો ધોમ ધખતા તાપમાન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ત્યારે ગરીબ વર્ગ માટે રોજી રોટીના એક માત્ર સાધન ગાંડા બાવળના લાકડા કાપવાની વનતંત્ર દ્વારા મંજૂરી અપાય અને પશુપાલકોને માટે ઘાસની રાહત ભાવે વ્યવસ્થા થાય તેવી લોકમાંગ ઊઠી છે. હાલે સરકારે ઢોરવાડા ચાલુ કર્યા છે. તેમાં જે પશુપાલકોએ તેમના ઢોર દાખલ કર્યા છે એમને થોડી રાહત થઇ છે પણ જેમણે પશુ દાખલ નથી કર્યા તે પશુપાલકોને ઘાસડેપો ઉપર નિયમ મુજબ  ઘાસ ન મળતાં  મોટી મુસીબત થાય છે,  પૂરતું ઘાસ મળે તો પશુઓ મોતના મુખમાં જતા બચી શકે. ગરીબવર્ગ માટે રોજીરોટીનું એક માત્ર સાધન ગાંડો બાવળ પણ માથાના દુ:ખાવા સમાન છે, કારણ કે કાયદેસર મંજૂરી  મળતી નથી. વર્ષ 2005-'06માં સરકારે દુષ્કાળમાં બન્નીમાં કોલસા અથવા લાકડાં કાપીને વેચવાની મંજૂરી આપી હતી, જેમાં સરકારને પણ આવક થઇ હતી અને સ્થાનિક મજૂરવર્ગને રોજીરોટી મળી હતી. વિકાસની વાતો અને રોજી આપવી તો દૂર રહી પણ વનતંત્ર મંજૂરી વગર લાકડાં કાપવાના કે કોલસા બનાવનારાના વાહન જપ્ત કરવાના હુકમ કરે છે અને એવા દાખલા બન્યા છે. આવી પરિસ્થિતિમાં ગરીબવર્ગની શું હાલત થતી હશે તે અંગે તંત્ર વિચાર કરી મંજૂરી મળે  તેવું આયોજન કરાય તેવું સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer