ચેન્નાઇએ સિઝનની સાતમી જીત નોંધાવી

કોલકાતા, તા. 14 : ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવીને સિઝનમાં સાતમી જીત નોંધાવી છે. આ સિઝનમાં ચેન્નાઈએ કોલકાતાને સતત બીજી વખત હારનો સ્વાદ ચખાડયો હતો. આ અગાઉ ચેન્નાઈએ કેકેઆરને પોતાનાં હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું અને હવે કોલકાતાના હોમ ગ્રાઉન્ડમાં પણ મ્હાત કર્યું છે. કોલકાતાએ ચેન્નાઈને 162 રનનો પડકાર ફેંક્યો હતો. જેને સુરેશ રૈનાના 58 રને રવીન્દ્ર જાડેજાના 31 રનના દમ ઉપર ચેન્નાઈએ 2 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. આ અગાઉ ચેન્નાઈ માટે ઇમરાન તાહિરે દમદાર બોલિંગ કરતા 4 વિકેટ ખેરવી હતી. જેના કારણે કોલકાતા માત્ર 161 રન જ કરી શક્યું હતું.  161 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી સીએસકે માટે આ લક્ષ્ય એકદમ સરળ હતું પરંતુ પાવરપ્લેના અંત સુધી કેકેઆરે બન્ને ઓપનરને પેવેલિયન પરત મોકલ્યા હતા અને મેચમાં વાપસીનો ઇરાદો બતાવ્યો હતો. ઓપનર આઉટ થયા બાદ પીયૂષ ચાવલાએ પણ ટૂંકા ગાળામાં બે વિકેટ લીધી હતી. આમ 81 રને ચાર વિકેટ પડી હતી. ત્યારબાદ મેદાનમાં આવેલા ધોનીએ ઝડપથી રન કરવાની શરૂઆત કરી હતી. જો કે તે માત્ર 16 રન કરીને જ આઉટ થયો હતો. ધોની બાદ જાડેજાએ જરૂર પ્રમાણે રમત આગળ વધારી હતી અને ચેન્નાઈને જીત નજીક પહોંચાડયું હતું. આ અગાઉ ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરને ક્રિસ લિને જોરદાર શરૂઆત અપાવી હતી અને 82 રન કર્યા હતા. જો કે બાકીના બેટ્સમેનો ખાસ ચાલ્યા નહોતા. જેના કારણે કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 161 રન કરી શકી હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer