બિદડામાં મુંબઇગરા બુકીઓનો સટ્ટાકાંડ ઝડપાયો

ભુજ, તા. 14 : માંડવી તાલુકાના સમૃદ્ધ અને વિકસિત એવા બિદડા ગામે બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પોલીસે મુંબઇથી આવેલા બુકીઓ દ્વારા ચાલતા  આઇ.પી.એલ. સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં ત્રણ મુંબઇગરા અને એક સુરતી બુકી અને સ્થાનિકના એક શખ્સ સહિત કુલ છ આરોપીની રૂા. 92450ની માલમતા સાથે ધરપકડ કરાઇ હતી.  આઇ.પી.એલ. અને વિશ્વકપ ક્રિકેટ જેવી મોટી સ્પર્ધાઓ સમયે મુંબઇ સહિતના રજ્ય બહારના સ્થળના મોટાગજાના બુકીઓ કચ્છમાં આવીને તેમનો ધંધો ધમધમાવતા હોવાની ફરિયાદો લાંબા સમયની છે. મોટા શહેરોમાં પોલીસની કાર્યવાહી સહિતના પરિબળોથી બચવા આ પ્રકારના નુસ્ખા છેલ્લા કેટલાક સમયથી અખત્યાર થતા આવ્યા છે. તો આ પ્રકારની પ્રવૃતિ કચ્છમાં અગાઉ કાયદાની ઝપટે અનેકવાર આવી ચૂકી છે.  આવી જ પ્રવૃતિ બિદડાના દરોડામાં ઝડપાઇ છે.  સત્તાવાર સાધનોએ મુંદરા પોલીસે કરેલી આ કામગીરી બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ બિદડાના અને હાલે મુંબઇમાં મલાડ ખાતે રહેતા મિતેન જયંતીલાલ ફ્નરિયા, ઘાટકોપર-મુંબઇ રહેતા હરેશ બાબુભાઇ સોનગરવાલા, ભાયંદર પશ્ચિમ મુંબઇના શિતલ મહેન્દ્રભાઇ શાહ, બિદડામાં જૈન દેરાસર પાસે રહેતા રમેશ કપૂરચંદ મહેતા અને સુરતના ડુંગરીના વતની હિતેષ મંગુભાઇ ગામીતની ધરપકડ કરાઇ છે. તેમની સામે જુગારધારા તળે ગુનો દાખલ કરાયો હતો.  આ તહોમતદારો આઇ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધાની મેચ ઉપર હારજીત અને સેશન સહિતનો સટ્ટો ચલાવી રહ્યાા હતા ત્યારે બાતમીના આધારે માંડવીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે. જલુની રાહબરી હેઠળની ટુકડીએ આ સફળ દરોડો પાડયો હતો.  પોલીસે દરોડામાં રૂા.14450 રોકડા, 16 મોબાઇલ ફોન, બે લેપટોપ, ચાર લેન્ડ લાઇન ફોન, સફેદ રંગનું 15 પોર્ટવાળું મશીન, બે એલ.ઇ.ડી. ટી.વી., સેટઅપ બોક્ષ અને સાહિત્ય સહિત કુલ રૂા.92450ની માલમતા કબ્જે લેવાઇ હતી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer