હાજાપરની પરિણીતા અને ઉખેડાની યુવતીના ઝેરી દવા થકી ભોગ લેવાયા

ભુજ, તા. 14 : તાલુકાના હાજાપર ગામે કાન્તાબેન અરાવિંદ સથવારા (ઉ.વ.22) અને નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે હવાબાઇ કાદર મંધરા (ઉ.વ.18) નામની યુવતીના ઝેરી દવાની ઝેરી અસરથી મૃત્યુ થયા હતા. પોલીસે આ બન્ને કિસ્સામાં અકસ્માત મોતના ગુના દાખલ કરી આગળની છાનબીન હાથ ધરી છે.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાજાપર ગામે કાન્તાબેન સથવારાએ ગત શુક્રવારે બપોરે શાકભાજીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગતરાત્રે તેણે દમ તોડયો હતો. બે વર્ષ પહેલાં પરણેલી અને બે માસની કુમળી વયની બાળકીની માતા એવી મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. પદ્ધર પોલીસે આ દિશામાં છાનબીન હાથ ધરી છે. જયારે ઉખેડા ગામની સીમમાં હાજી અલી લાંગાયની વાડી ઉપર ઝેરી દવાની અસર પામેલી હવાબાઇ મંધરાએ પણ સારવાર દરમ્યાન ગતરાત્રે ભુજની જનરલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. કપાસમાં છાંટવાની દવાની બોટલનું ઢાંકણું મોઢેથી ખોલતી વેળાએ આ ઘટના બની હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની છાનબીન હાથ ધરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer