વરસામેડીમાં પડતર જમીન ખાતેથી થતી ખનિજની ચોરી પોલીસે ઝડપી

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં વેલસ્પન કંપની તથા એરપોર્ટ પાછળ આવેલી પડતર જમીનમાંથી ખનિજ ચોરી કરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂા. 25,39,000ના સાધનો જપ્ત કર્યા હતા. વરસામેડીની વેલસ્પન કંપની તથા એરપોર્ટ પાછળ આવેલી પડતર જમીનમાંથી માટી ચોરી થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ જગ્યાએથી વરસામેડીના ધના કરણા રબારી, શંકર પબા રબારી અને અજાપરનાં ધના સામત રબારી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો વગર રોયલ્ટી કે કોઇ આધાર પુરાવા વગર માટીની ચોરી કરતા હતા. આ શખ્સો પાસેથી 12 ટન માટી, ત્રણ મોબાઇલ એક જેસીબી તથા એક ડમ્પર નંબર જી.જે. 05, એ.ટી. 2215 એમ કુલ રૂા. 25,39,000નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. ગાંધીધામના શિણાય, મીઠી રોહર, ગળપાદર વગેરે જગ્યાએ પણ ગેરકાયદે માટીનું ખોદાણ થતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer