પરીક્ષા કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો ઊંધા માથે

ભુજ, તા. 14 : પ્રાથમિક શિક્ષણ હમણા હમણા અખતરાઓની પ્રયોગશાળા બનતાં ખૂબ જ વિપરીત અસરો પડી રહી છે. વારંવાર બદલાતી નીતિઓ, નીતનવા ફતવાઓ, ઓનલાઇનના આદેશોથી પ્રા. શિક્ષણ પોતાની પ્રવાહિતા અને મૌલિકતા ગુમાવી ચૂક્યું છે. તાજેતરમાં  પ્રા. શિક્ષણ ક્ષેત્રે ધો. 3થી 8ની પરીક્ષાઓ દરમિયાન શિક્ષકોને અન્ય શાળામાં સુપરવિઝન અર્થે જવાનું હોતાં ફળશ્રુતિ વિનાની હાલાકી વધી છે.  શિક્ષકોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરવહીઓનું પરીક્ષણ અન્ય શાળાઓએ કરવાનું હોવાથી મોટો ગૂંચવાડો સર્જાયો છે. કચ્છની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓ વચ્ચે ઘણું અંતર હોવાથી ઉત્તરવહીઓ પહોંચાડવાની અને લેવાની અવ્યવસ્થાઓને કારણે શિક્ષકો ભારે દોડધામમાં મુકાઇ ગયા છે. તેમાંય શિક્ષકઘટનો પ્રશ્ન તો ખરો જ.  11 વાગ્યા સુધી અન્ય શાળામાં સુપરવિઝન પતાવી મારતે ઘોડે ઉત્તરવહીઓ ગ્રુપ શાળામાં જમા કરાવવી અને અન્ય શાળાની ઉત્તરવહીઓ મેળવવી જેમાં ઘણી જગ્યાએ 30થી 50 કિ.મી. જેટલો ફોગટફેરો પડી રહ્યો છે. અધૂરામાં પૂરું ત્રીજી મે સુધીના લાંબાલચ પરીક્ષા કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓ પણ તાણ અનુભવી રહ્યા છે. તાત્કાલિક ઓવરટાઇમમાં પેપર ચેક કરી ઓનલાઇન કરવાની જફા લટકામાં !  આ બધા ભારેખમ વ્યાયામને અંતે પ્રા. શિક્ષણનું 100 ટકા પરિણામ તો પાધરું જ છે. નાપાસ તો કોઇને કરવા નથી, તો પછી શિક્ષકોની પરેશાની અને તાણ સિવાય તેની કોઇ ફળશ્રુતિ જણાતી નથી. અધૂરામાં પૂરું આરટીઇના નિયમો મુજબ ધો. 2ની પરીક્ષા લેવાની થતી નથી. આ વખતે યુનિટ ટેસ્ટ અને નિદાન કસોટી અંતર્ગત ધો. 2ની પરીક્ષા પણ લેવાઇ છે.  3જી મેના પરીક્ષાઓ પૂર્ણ કરી ચોથી મેના ગણતરીના કલાકોમાં પેપર જોઇ, ગુણપત્રકો તૈયાર કરી ઓનલાઇન કરી ફાઇલ કે.નિ. પાસે એપ્રુવ્ડ કરાવી પરિણામ જાહેર કરવું. લ્યો બોલો આ બધું કલાકોમાં પૂરું કરવું. પછી આમાં ગુણવત્તાની શું અપેક્ષા રાખી શકાય ? શિક્ષકો `ભાર વિહિન ભણતર'નું કામ ભાર વગર કરી શકે તે માટે તંત્ર વિચારે તેવું આ શિક્ષકોનું કહેવું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer