કચ્છ બેઠકમાં કેસરિયા પક્ષની આણ કાયમ રાખી વધુ સારું પરિણામ લાવવા માટે આશા વ્યકત કરાઇ

ભુજ, તા. 14 : લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરેધીરે ગતિ પકડીને પરાકાષ્ઠા ભણી ધપી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દાયકાથી કચ્છની બેઠક ઉપર પોતાની આણ કાયમ રાખનારો પક્ષ ભાજપ આ વખતે પણ તેનો પ્રગતિભર્યો દેખાવ અવિરત રાખી નવા સિમાચિન્હરૂપ પરિણામના દર્શન કરાવીને પોતાની તાકાત બતાવશે તેવો વિશ્વાસ લોકસંપર્ક, જાહેરસભાઓ અને પક્ષની બેઠકોમાં આ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદીએ વ્યકત કર્યો હતો.   ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ રહી ચૂકેલા દિલીપભાઇ ત્રિવેદીની લોકસભા બેઠકના ઇન્ચાર્જ તરીકે નિમણૂક થયા બાદ તેમણે ચૂંટણી જાહેર થયા પહેલાં અને બાદમાં છેલ્લા એક મહિનાથી પક્ષના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા અને પક્ષના જિલ્લા તથા તાલુકા એકમો અને વિવિધ મંડલ અને મોરચાઓ સાથે સંપર્કમાં રહીને સંકલનભરી કામગીરી અવિરત રાખી છે. પ્રવાસના વ્યાપક દોર વચ્ચે બૂથ સ્તરના અને માઇક્રોકક્ષાની યોજનાઓને અંતિમ ઓપ આપવા માટે પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે તેવું એક યાદીમાં જણાવાયું હતું.   ઉમેદવાર વિનોદભાઇ ચાવડા સાથે ભુજ અને મોરબી ખાતેના લોકસંપર્ક દરમ્યાન મોરબી ખાતે સભા અને કાર્યકર મિલનમાં શ્રી ત્રિવેદીએ પક્ષની ચૂંટણી વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડતાં આ પરંપરાગત બેઠક ઉપર વધુ સારા પરિણામનો આશાવાદ વ્યકત કર્યો હતો. તો બેઠક હેઠળના તમામ તાલુકા, મંડલો અને 200થી વધુ શકિતકેન્દ્રના પ્રવાસમાં તેમણે આગેવાનો અને કાર્યકરોને બૂથ અને પેઝ સુધીના કાર્યને સુપેરે પાર પાડી નેત્રદીપક પરિણામ માટે હાકલ કરી હતી.  દરમ્યાન ભુજ અને ગાંધીધામ સહિતના વિવિધ સ્થળે સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં તથા બેઠક હેઠળના તમામ વિધાનસભા વિસ્તારના ઇન્ચાર્જ સાથેની બેઠકમાં ગોઠવાયેલી વ્યવસ્થાની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. મૈં ભી ચોકીદાર અને સુરેન્દ્રનગર ખાતેના સંમેલનમાં 1500 કાર્યકરો સાથે હાજર રહેલા તેમણે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની હાજરીમાં કચ્છ બેઠક અને તેની ચૂંટણી વિશે પ્રકાશ પાડયો હતો. પ્રદેશ અને રાષ્ટ્રસ્તરના પક્ષના નેતાઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ કચ્છની બેઠકનો પ્રગતિ અહેવાલ તથા પક્ષ અને ઉમેદવાર સાથે રહીને થઇ રહેલી કાર્યવાહીનો ચિતાર તેમણે પૂરો પાડયો હતો.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer