ઉનાળાની ગરમી અને લૂથી બચવા માટે વિવિધ ઉપાયોની સમજ અપાઈ

ભુજ, તા. 14 : સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં તાપમાન વધી રહ્યું છે અને ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે  ત્યારે ગરમી તેમજ તાપથી બચવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વિવિધ સૂચનો કરીને તેનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગરમીના મોજાની સ્થિતિ શારીરિક તણાવમાં પરિણમી શકે છે, જેનાથી મૃત્ય પણ થઈ શકે છે. ગરમીના મોજા દરમ્યાન તેની અસરને શક્ય એટલી ઓછી કરવા અને લૂથી ગંભીર બીમારીઓ અથવા મૃત્યુ અટકાવવા માટે ખાસ કરીને બપોરના 12થી 3 વચ્ચે તડકામાં જવાનું ટાળવું. તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત અને શક્ય તેટલું વારંવાર પાણી પીવું, ઓછા વજનના, ઝાંખા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા, તડકામાં જતી વખતે આંખોની રક્ષા કરતા ગોગલ્સ, છત્રી, ટોપી, બૂટ, પંચલનો ઉપયોગ કરવો. બહારનું તાપમાન ઊંચું હોય ત્યારે મહેનતની પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું. બપોરના 12 થી 3 વચ્ચે કામ કરવાનું ટાળવું, આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવા તેમણે કહ્યું હતું. લૂની અસર પામેલી વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયડા નીચે સૂવડાવી, તેન ભીના કપડાથી લૂછો/શરીરને વારંવાર ધોવું, માથા પર સામાન્ય હુંફાળું પાણી રેડો, મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવાની છે. એ વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી (ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનું સંગ્રહ થાય તેવી કોઈ પણ વસ્તુ આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવી. લૂ ઘાતક નીવડી શકે તેમ હોય તો દર્દીને તાત્કાલિક નજીકના હોસ્પિટલે લઈ જવા તેમણે કહ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer