બે ખેતીવાડી ફીડરમાં થાંભલાની વીજળીનો અંત

બે ખેતીવાડી ફીડરમાં થાંભલાની વીજળીનો અંત
ભુજ, તા. 25 : સૌરઊર્જા મારફતે ખેતીવાડી માટે વીજળી ઉત્પન્ન કરવાની સરકારે અમલમાં મૂકેલી યોજના હેઠળ ભુજ સર્કલના પ્રથમ બે ફીડર સો ટકા સોલાર આધારિત બની ગયા છે. સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ લઇ ખેડૂતો પોતાના ખેતર-વાડીઓમાં મોટી મોટી પેનલ લગાડી કુદરતી વીજળી મેળવતા થઇ ગયા છે. વીજળીની માંગ દિવસોદિવસ વધતી જતી હોવાથી ભવિષ્યમાં વૈકલ્પિક ઊર્જાને બદલે સૂર્યનાં કિરણો મારફતે વીજળી સંગ્રહિત કરી ઉપયોગમાં લેવાના ઉપાયને ધીમે-ધીમે મોટી સફળતા મળતી જાય છે. સોલાર સ્ટ્રીટ લાઇટ હોય કે સોલાર ગીઝરમાં મોટી સફળતા મળી છે. ઘરમાં એક વખત ગરમ પાણી માટે સોલાર સાધન લગાડી દેવાથી પછી કોઇ પણ જાતના દૈનિક ખર્ચ વિના ગરમ પાણી મળી શકે છે. એવી જ રીતે સોલાર પેનલ સાથે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ થઇ શકે છે, જેમાં એક બાજુ મોટી ઊર્જાશક્તિ બચે છે, સાથેસાથે દૈનિક યુનિટ વપરાશ પણ બંધ થઇ જાય છે. આવા સંજોગોમાં અત્યારે સૌથી વધુ વીજળી ખેતીવાડી ક્ષેત્રમાં વપરાય છે. ભૂગર્ભના પાણીને ખેંચવા મોટી મોટી ઇલેક્ટ્રિક મોટરો લગાડીને તળિયાનાં પાણીને ખેંચવામાં આવે છે. સોલારના પ્રયોગ જો ખેતીવાડી ક્ષેત્રમાં કરવામાં આવે તો આ પ્રકલ્પને સાકાર કરવા ખાનગી સોલાર પેનલ અને સાધનો બનાવતી કંપનીઓને સબસિડી આપી ખેડૂતોને પોતાના ખેતર-વાડીમાં સોલાર પેનલ લગાડવાની એક યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જે તે ફીડરમાં આવતા સો ટકા ખેડૂતો સંમત થાય તો અત્યારે થાંભલામાંથી મળતી વીજળીનો પુરવઠો બંધ કરવામાં આવે. આ પાયલોટ પ્રોજેક્ટમાં ભુજ સર્કલના વેકરા અને લુડવા આ બે ફીડરમાં સૌરઊર્જા શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 11 કે.વી.એ.ના વેકરા ખેતીવાડી ફીડર હેઠળના 37 ખેતીવાડી જોડાણો કટ કરી ત્યાં તમામ સ્થળે સોલાર પેનલ આધારિત વીજળી મળતી થઇ ગઇ છે. ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે હોર્સપાવરની ઇલેક્ટ્રિક મોટર આ સોલાર પેનલ દ્વારા મળતી વીજળીથી ચાલુ થઇ શકે છે, જ્યાં પાણી ખેંચી સિંચાઇ શરૂ કરી દેવામાં આવી છે. વધારાનો ફાયદો એ થયો કે ખેડૂતોને 24 કલાક પોતાની વાડીમાં વીજ પુરવઠો મળતો થઇ જાય છે. એક વખત ઇન્સ્ટોલેશન ખર્ચ તેમાં પણ સબસિડી મળે, બસ પછી 24 કલાક વીજળી મળે છતાં ઝીરો બિલ આવે છે, તેનો ફાયદો ખેડૂત ઉપરાંત પી.જી.વી.સી.એલ.ને પણ થાય છે. સસ્તાં દરે વીજળી આપવામાં આવતાં ખેડૂતોને અપાતી યુનિટ દીઠ સબસિડીમાંથી પણ મુક્તિ મળી જાય છે. વેકરા ફીડર દહીંસરા સબડિવિઝન અને માંડવી ડિવિઝન હેઠળ આવ છે, એવી જ રીતે 11 કે.વી.એ.ના લુડવાના ફીડરનો સમાવેશ થાય છે. લુડવા ખેતવિષયક ફીડર હેઠળ 18 કિસાનોને સૌરઊર્જા સાથે જોડી દેવામાં આવ્યા છે. માંડવી ડિવિઝનના દરશડી સબડિવિઝન હેઠળ આવતા આ લુડવા ફીડરમાં વીજ વાયરો મારફતે મળતી વીજળીનો અંત આવી ગયો ને સીધા સૂર્યનાં કિરણો દ્વારા પ્લેટમાં વીજળી મેળવી ખેડૂતો ડાયરેક્ટ લાઇટ લેતા થઇ ગયા હોવાનો આ પ્રથમ કિસ્સો છે. આવનારા દિવસોમાં તમામ વીજ જોડાણો અગર સોલાર આધારિત થઇ જશે તો વીજળીની ખપતમાં મોટી બચત સાથેસાથે વીજ પુરવઠા પાછળ લાખોના બિલમાં પણ રાહત થઇ જશે તેવી વિગતો મળી હતી. જો કે, આ બાબતે ભુજ પી.જી.વી.સી.એલ. સર્કલના વડા અમૃત ગરવાનો સંપર્ક સાધતાં બે ફીડર સોલાર આધારિત થઇ ગયાને સમર્થન આપી ભુજ સર્કલ હેઠળનો આ પ્રથમ કિસ્સો છે તેમ પણ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer