કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ હીટવેવનો વર્તારો

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં  બે દિવસ હીટવેવનો વર્તારો
ભુજ, તા. 25 : સૂર્ય અસ્તાચળ ભણી ગતિ કરવા માંડે, છેક ત્યાં સુધી પવનમાં તપત વર્તાવા માંડી છે. ઉનાળો હજુ આકરો બનવાનાં એંધાણ ઊકળાટથી મળી રહ્યાં છે, ત્યારે રાજ્યના હવામાન તંત્ર તરફથી ચાલુ મોસમમાં પહેલ વહેલી વખત હજુ બે દિવસ સુધી `હીટવેવ' એટલે કે ગરમીનું મોજું કચ્છ સહિત રાજ્યભરમાં રહેવાની ચેતવણી અપાઇ છે. રણ પ્રદેશના સૂરજબારીથી સરહદ સુધી તમામ ભાગોમાં સોમવારે ઉષ્ણતામાપક પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચો રહેવાથી આજે દિવસ ખરેખરો તપ્યો હતો. કંડલા પોર્ટ પર 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં કંડલા-ગાંધીધામ સંકુલના વિસ્તારો સોમવારે જિલ્લામાં સૌથી વધુ તપ્યા હતા. જિલ્લામથક ભુજ સહિતનાં શહેરોમાં આજે બપોરે તાપથી પહેલીવાર `લૂ' જેવો અનુભવ થયો હતો. રાપરમાં 38, ખાવડામાં 37 ડિગ્રી સાથે વાગડ પંથક અને રણકાંધીનાં ગામડાં તપ્યાં હતાં. સવાર ઊગતાં જ છવાતાં સૂર્યના સામ્રાજ્યની ઊની અસર તળે બળબળતા બપોરે માર્ગો પર માણસોની સંખ્યા ઓછી દેખાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer