માનવજાત પૃથ્વીનું ભૂષણ - દૂષણે છે

માનવજાત પૃથ્વીનું ભૂષણ - દૂષણે છે
ફકીરમામદ ચાકી દ્વારા કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 25 : નજીકના વરલી ગામે સેવા સ્મરણ કુટિયાના જાણીતા બ્રહ્મલીન કથાકાર સંત પુરુષોત્તમદાસજીબાપુના સ્મૃતિ મહોત્સવ પ્રસંગે પૂ. બાપુના સ્મૃતિમંદિરને ખુલ્લું મુકાયું હતું તેમજ તેમના મોટા પુત્રની ચાદરવિધિ ઉપરાંત મહામંડલેશ્વર સાધ્વી કનકેશ્વરી દેવીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ થયો હતો. આ પ્રસંગે જાણીતા ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતના વિવિધ સંતો, મહંતો ખાસ હાજર રહ્યા હતા. તા. 1લી એપ્રિલ સુધી ચાલનારી આ કથાના પ્રથમ દિવસે કચ્છ ગુજરાત ઉપરાંત વિવિધ પ્રાંતના સંતો, ભાવિકો, રાજકીય, સામાજિક અગ્રણીઓ, રવિભાણ સંપ્રદાયના સંતો ધાર્મિક પ્રસંગે જોડાયા હતા. બ્રહ્મલીન સંત પુરુષોત્તમદાસજી મહારાજના સ્મૃતિમંદિરનું પૂજન કરી જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કમીજડાના મહંત જાનકીદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરના મહંતો તેમજ કબીર મંદિર ભુજના મહંત કિશોરદાસજી સાહેબે ખુલ્લું મૂક્યું હતું. બાદમાં ઉપરોક્ત સંતો મહંતો સાથે મોટી સંખ્યામાં ધર્માચાર્યોએ કુટિયાના નવા સંત બાપુના મોટા પુત્ર સંત જયંતીદાસજી મહારાજની ચાદરવિધિ દ્વારા સેવા સ્મરણ કુટિયાની જવાબદારી સોંપાઈ હતી. આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માનવજીવનને નિયંત્રણમાં રાખવાની વ્યવસ્થા ગણાવીને કહ્યું હતું કે, અન્યાયી, અત્યાચારીઓ સામે શત્રો ઉઠાવવાની પણ પ્રેરણા આપે છે. તેમજ આતંકવાદ સમાજ અને રાજ્યના દુશ્મન ગદ્દારોને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર જડમૂળથી ખતમ કરવાનો ગીતાજીનો સંદેશ છે. વધુમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કોઈ એક સમુદાયનો ગ્રંથ નથી તેમ જણાવી ભારતના જનસમાજની ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય ભવ્ય વિચારધારા ગણાવી હતી. તેમણે વધુમાં સૃષ્ટિ માટે માનવજાતને ભૂષણ બનવા અને તમામ દૂષણોથી દૂર રહેવાના ઉદાહરણો આપી ધર્મસભામાં ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ધર્મસ્થાને કમીજડાના મહંત જાનકીદાસજી મહારાજે પણ બ્રહ્મલીન સંત પુરુષોત્તમદાસજી સાથેના સંસ્મરણો યાદ કર્યાં હતાં. આ સ્મૃતિ મહોત્સવમાં કમીજડા જાગીરના મહંત વિઠ્ઠલદાસજી, કલ્યાણદાસજી, નડિયાદ સંતરામ મંદિરના મહંતો કિશોરદાસ સાહેબ, જગદીશદાસજી (બંદરા), કોટવાલ વીનેશરામ, અરજણદાસજી (થરા) સહિત મોટી સંખ્યામાં મહંતો, સંતો, સાધ્વીઓ, સાધુઓ હાજર રહ્યા હતા. કથાશ્રવણ માટે આવેલા ગુજરાત રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે 3 લાખ રૂપિયા મહોત્સવને દાન આપ્યું હતું. માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, સરપંચો, વિવિધ સમાજના અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. સપ્તાહ દરમ્યાન વરલી-થરાવડા ધૂઆંબંધ પ્રસાદ, ગાયોને ચારો, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, તેમ સાધ્વી લીલાદેવી ગુરુ પુરુષોત્તમદાસજી તેમજ સંત જયંતીદાસજી મહારાજે જણાવ્યું હતું. સંચાલન માંડવીના રમેશભાઈ જોશીએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer