જંગી રોડ પર અઢી એકરમાં સમાજવાડીનું નિર્માણ થશે

જંગી રોડ પર અઢી એકરમાં  સમાજવાડીનું નિર્માણ થશે
ભચાઉ, તા. 25 : તાલુકાનાં સામખિયાળી ગામે જંગી રોડ પર લગભગ અઢી એકર જેટલા વિસ્તારમાં નિર્માણ પામનારી બાળા પરિવારની સમાજવાડીનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે જંગી અખાડા જાગીર મહંત વેલજી દાદા, કાંઠા ચોવીસી આહીર સમાજના પટેલ પ્રમુખ રણછોડભાઈ કાનાભાઈ ડાંગર, સામખિયાળી ગામના પૂર્વ સરપંચ અમરાભાઈ બાળા, તેમજ આજુબાજુના ગામના આહીર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેલજી દાદાએ જણાવ્યું હતું કે, આટલી વિશાળ જગ્યામાં આ બાળા પરિવારની સમાજવાડી બની જતાં આજુબાજુના આહીર સમાજના લોકોને તેમજ અન્ય સમાજના લોકોને પણ શુભ પ્રસંગે આ સમાજવાડી ઉપયોગી નીવડશે તેમજ ભવિષ્યમાં પણ આહીર સમાજના બાળકો માટે હોસ્ટેલ જેવી સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા આહીર સમાજને શીખ આપી હતી. આ સાથે ગામના સ્થાપક કચરાબાપાને યાદ કરી બાળા પરિવાર દ્વારા સમયની સાથે થઈ રહેલી પ્રગતિને એમના આશીર્વાદ ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અઢી એકર જેટલા વિસ્તારમાં બની રહેલી આ બાળા પરિવારની સમાજવાડીને સ્ક્વેર ફૂટના ભાવે વેચાતી જમીનને બાળા પરિવારના ચાર દાતા અમરાભાઈ ભીમાભાઈ બાળા, ડાયાભાઈ દાનાભાઈ બાળા, રામાભાઈ ગણેશાભાઈ બાળા અને ખીમાભાઈ કાંયાભાઈ બાળાએ પરિવારની સમાજવાડી માટે જમીન દાન આપીને સમાજ પ્રત્યેની પોતાની ભાવના ઉજાગર કરી હતી, જેને સરાહનીય ગણાવી દાતાઓને બિરદાવાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer