નિરોણામાં કાનજી મતિયાદેવનાં નૂતન મંદિરે ધામધૂમપૂર્વક કરા મહોત્સવ યોજાયો

નિરોણામાં કાનજી મતિયાદેવનાં નૂતન મંદિરે  ધામધૂમપૂર્વક કરા મહોત્સવ યોજાયો
નિરોણા (પાવરપટ્ટી), તા. 25 : પાવરપટ્ટીના મુખ્ય મથક નિરોણા ગામે મહેશપંથી મહેશ્વરી સમાજ દ્વારા નિર્મિત કાનજી મતિયાદેવનાં નૂતન મંદિરે દ્વિ-દિવસીય કરા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના તમામ સમાજોએ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની કોમી એકતાનાં દર્શન કરાવ્યા હતા. ગામના પાદરમાં આવેલા ફૂલપીર દાદા સમાધિ સંકુલને અડીને આવેલી કાનજી મતિયાદેવની સમાધિ પર મંદિર નિર્માણ બાદ યોજાયેલા કરા મહોત્સવના પ્રથમ દિવસે સાંજે ધર્મગુરુ માતંગ જખુ થાવર લાલણ (મંજલ) અને માતંગ નારાણ ગોવિંદ મતિયા (કોટડા-ચ.)ની આગેવાનીમાં સામૈયું કાઢવામાં આવ્યું હતું. ભાવવાહી ઓમારાના ગાન સાથે નીકળેલા સામૈયામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ અને ધર્મગુરુઓ જોડાયા હતા. રાત્રે આ ધર્મગુરુઓ દ્વારા માતંગશાત્રનું જ્ઞાનકથન કરવામાં આવ્યું હતું, જેમાં માતંગ વંશજ મતિયાદેવની ચમત્કારિક કલામ કાની ઉપર વેદ આધારિત સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધર્મગુરુઓ તેમજ અગ્રણી પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય), રાજેશભાઇ આહીર (તા.પં. સદસ્ય), નરેશભાઇ?મહેશ્વરી (માજી પ્રમુખ-કચ્છ કોંગ્રેસ), માધુભા જાડેજા, મયૂરભાઈ બળિયા સહિતના અગ્રણીઓનું આયોજન સમિતિ અને નિરોણા મહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે હાસ્ય કલાકાર વસંત મારાજ (પીનુડો) અને મહેન્દ્રભાઇ અબચુંગે માર્મિક રમૂજી રંગત જમાવી હતી. દાંડિયારાસની રમઝટ જામી હતી. બીજા દિવસે ધ્વજારોહણ અને કળશવિધિ પ્રસંગે યોજાયેલા વિવિધ?ચડાવામાં ધુવા રામા માંડણ, સૂંઢા ડાયાલાલ રતનશી, ડગરા લક્ષ્મણ ગીગાભાઇ, કોચરા વેરશી કરસને લાભ લીધો હતો. જમણવારના દાતા રાજેશભાઇ ભાનુશાલી અને ગોપાલભાઇ નઝાર, રસોડા વ્યવસ્થામાં ફૂલપીર દાદા સેવા સમિતિના અગ્રણી સામતભાઇ આહીર અને વેલાભાઇ આહીરનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મપંથ બારમતીનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સંચાલન મહેન્દ્રભાઇ અબચુંગે કર્યું હતું. નિરોણા મહેશપંથી યુવક મંડળે જહેમત ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer