જી.કે. જનરલમાં શાળા આરોગ્યના વાલીઓને પડતી અગવડ નિવારવા કોઓર્ડિનેટર નીમો

જી.કે. જનરલમાં શાળા આરોગ્યના વાલીઓને   પડતી અગવડ નિવારવા કોઓર્ડિનેટર નીમો
ભુજ, તા. 25 : કેન્દ્ર સરકારની ટીમ કચ્છની સર્વાંગી આરોગ્ય માળખાની સમીક્ષા અર્થે આવવાની તેના અનુસંધાને રાજ્યના જોઈન્ટ રિવ્યુ મિશને વિવિધ સ્થળે જાત મુલાકાત લઈ છણાવટ કરી હતી. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ ટીમ પાસે કચ્છમાં ડોક્ટરોની ઘટ નિવારવા ખાસ ભરતી કરાય તેવો આગ્રહ રાખ્યો હતો. આ ટીમે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મોકલાતા વાલીઓને પડતી અગવડની નોંધ લઈ જિ.પં.ને ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટર નીમવા સૂચન કરતાં સીડીએચઓ ડો. પાંડેએ તા. 1/4થી સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. આ ટીમમાં રાજકોટ મેડિકલ કોલેજના પ્રો. કાદરી અને ડો. ઉમેદ પટેલ, ભાવનગરના આરડીડી ડો. આચાર્ય, રાજકોટના આરડીડી વતી પ્રવીણ ગમારા, ડો. કિરણ પટેલ, મનોજસિંહ વાળા, ડો. આકાશલાલ, ડો. નીરવ જોશી, ડો. ભદ્રેશ વ્યાસ, ડો. પ્રદીપકુમાર, ડો. જી.સી. પટેલ, સુમિત ત્રિવેદી, રાહુલ આચાર્ય, ટીબી હોસ્પિટલ, જી.કે. બ્લડ બેંક, એનઆઈસીયુ, માંડવી સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ખાવડા સા.આ. કેન્દ્ર, ગાંધીધામ-રામબાગની મુલાકાત લઈ છેલ્લા પાંચ વર્ષના પ્રગતિના હેવાલ જોઈ સૂચનો કર્યા હતા. ટીબીની કામગીરી ખોડખાંપણવાળા બાળકો માટેની કામગીરી, સા.આ. કેન્દ્રમાં પ્રસૂતિની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જિ.પં. ખાતેની બેઠકમાં સીડીએચઓ ડો. પાંડે, સિવિલ સર્જન ડો. બૂચ, ઓ. સીડીએચઓ ડો. કન્નર, પી.આઈયુ.ના ઈન્જિનીયર શ્રી જાડેજા વગેરે હાજર રહ્યા હતા. નાણાકીય પ્રગતિની ચર્ચા કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે તેમની સાથેની બેઠકમાં પછાત વિસ્તાર સહિત ખૂટતી જગ્યા માટે ખાસ એલાઉન્સ આપી ડોક્ટરોની ભરતી કરાય તેવું ટીમને સૂચન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer