દ.આફ્રિકા સામે ટી-20 શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઈટવોશ

જોહનિસબર્ગ, તા. 25 : ડ્વેન પ્રિટોરિયસ અને રીજા હેન્ડ્રિક્સની અર્ધસદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકાએ વરસાદથી પ્રભાવિત ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ પદ્ધતિથી 45 રને હરાવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી હતી. પ્રિટોરિયસે 42 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટઆઉટ 77 રન કર્યા હતા. આ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન હેન્ડ્રિક્સ(66) સાથે મળીને બીજી વિકેટ માટે 90 અને કેપ્ટન ડુમિની સાથે ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. જેની મદદથી દક્ષિણ આફ્રિકા 198 રનનો જુમલો બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાના 198 રનના જવાબમાં શ્રીલંકા મેચના કોઈપણ સમયે લક્ષ્ય સુધી પહોંચી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ નહોતી અને 15.4 ઓવરમાં પૂરી ટીમ 137 રને ઢેર થઈ હતી. શ્રીલંકાએ જ્યારે 11.1 ઓવરમાં 6 વિકેટે 111 રન કર્યા હતા. ત્યારે વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. અને બીજી વખત મેચ શરૂ થતા શ્રીલંકાને 17 ઓવરમાં 183 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જો કે શ્રીલંકાએ બાકીની ચાર વિકેટ કોઈપણ રન જોડયા વિના ગુમાવી હતી. ટીમ તરફથી ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકવેલાએ સર્વાધિક 38 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી એન્ડિલેએ 24 રન દઈને ચાર અને જુનિયર ડાલા તેમજ લૂથો સ્પિમાલાએ 2-2 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer