ગાંધીધામ રેલવે સ્ટેશને પીવાના પાણીના સંગ્રહના ટાંકાની છત ન હોવાથી ભારે મુશકેલી

ગાંધીધામ રેલવે સ્ટેશને પીવાના પાણીના સંગ્રહના ટાંકાની છત ન હોવાથી ભારે મુશકેલી
ગાંધીધામ,તા.25: પ્રવાસી વર્ગને વધુમાં વધુ સુવિધા આપવા ગાંધીધામ રેલવે સ્ટેશનમાં અનેક માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે છે. હાલ સ્ટેશન ઉપર અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે પરંતુ રેલવે સ્ટેશન પરિસર અને સેંકડો રેલવે કર્મચારીઓને જયાંથી પીવાનું પાણી વિતરણ થાય છે તે પીવાના પાણીનો ટાંકો અત્યંત જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત ટાંકાને પાકી છત પણ ન હોવાથી કચરા યુકત પાણી રેલવે કર્મચારીઓ અને પ્રવાસીઓને પીવું પડે છે. આ અંગે મળતી વિગતો મુજબ રેલવે સ્ટેશનનું નિર્માણ થયું ત્યારના સમયમાં બનાવાયેલી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. ખુલ્લી ટાંકી ઉપર આર.સી.સી છત ન હોઈ પતરા ઢાંકવામાં આવ્યા છે. જે પૈકી પતરાનો કેટલોક ભાગ ખુલ્લો જ રહેતો હોવાના કારણે પ્રવાસીઓ અને રેલવે કર્મચારીઓ માટેના સંગ્રહિત લાખો લિટર પીવાના પાણીમાં કચરો પડતો હોય છે. આ પાણીના ટાંકાની સફાઈ પણ નિયમિત થતી ન હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંડર ગ્રાઉન્ડ ટાંકી સહિતનું આખું માળખું નવું બનાવવા માટે ઉચ્ચસ્તરે રજુઆતો પણ થઈ છે પરંતુ પ્રશાસન દ્વારા આજ દિન સુધી આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરાયું. રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે કરોડોની રકમ ખર્ચાય છે તે સારી બાબત છે પરતું પીવાના પાણી માટેની સંગ્રહ વ્યવસ્થાને વિકસાવવાની દિશામાં કેમ કોઈ કાર્યવાહી નથી થઈ તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે. જર્જરિત પાણીના ટાંકાની યોગ્ય સારસંભાળના અભાવના કારણે પ્રદૂષિત પાણીથી વાઝ આવી ગયેલા રેલવે કર્મચારીઓ સ્વ ખર્ચે 20 લિટરની પાણીની બોટલો મંગાવે છે. પીવાના પાણીના પ્રશ્ને અગાઉ પણ કર્મચારીઓ અધિકારીઓ વચ્ચે અંટશના બનાવો પણ બની ચૂકયા છે. આ મામલે વેસ્ટર્ન રેલવે એમ્પલોયઝ યુનિયન દ્વારા પણ સમયાંતરે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે. પાણી વિતરણના માળખાની જર્જરિત હાલત ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરની સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. પ્રવાસીઓ અને રેલવે કર્મચારીઓના હિતમાં આખો નવો સમ્પ બનાવવાની દિશામાં કાર્યવાહી કરાય તે સમયની માંગ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer