કચ્છમાં ત્રણેક માસથી મનરેગાનું ચૂકવણું અટક્યું

હેમંત ચાવડા દ્વારા ભુજ, તા. 23 : કચ્છ સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા હોવાથી પૈસાની રેલમછેલ હોય એ સ્વાભાવિક છે, આવી રેલમછેલ વચ્ચે એક વર્ગ મંદી ભૂલીને તેજીનો અહેસાસ કરી રહ્યો છે ત્યારે જ દુકાળના ડામથી દાઝીને `મનરેગા' યોજના તળે તનતોડ મજૂરી કરી રહેલા કચ્છનાં મજૂરવર્ગના ચૂકવણા વીતેલા 12થી પંદર સપ્તાહથી અટકી પડતાં ખરેખરો ગરીબ વર્ગ નાણાંના અભાવે `મોથાજ' થઇ ગયો છે ત્રણ-ત્રણ માસથી ચૂકવણું ન થતાં હવે ઉધારી પણ શક્ય બનતી નથી તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. જો કે તંત્રનો દાવો છે કે વીતેલા વર્ષ દરમ્યાન રૂા. 30.86 કરોડ ચૂકવાઇ ગયા છે પણ કોમ્પ્યુટરના આંકડા વીતેલા 15 દિવસથી સ્થાનિકે ઉપલબ્ધ જ ન હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી લાચારી અનુભવી રહી છે. મનરેગા નામે ઓળખાતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિકાસનાં કામો થાય અને ગ્રામ્ય વિસ્તારના બિનકુશળ કારીગરો અને રોજગારવાંચ્છુઓને 150 દિવસની રોજગારી પ્રાપ્ત થાય, હાલ કચ્છમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ, હોળી જેવા તહેવારો વચ્ચે કચ્છમાં ચાલતી આ યોજના હેઠળ છેલ્લા ત્રણેક માસથી ચૂકવણું ન કરાતાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને રોજગારી મેળવતા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ યોજના હેઠળ એક પરિવારના વધુમાં વધુ ચાર સભ્યો રૂા. 194ના દરે વધુમાં અગાઉ 100 અને હવે 150 દિવસ કામ કરી શકે છે. ત્યારે કચ્છમાં લાંબા સમયથી પ્રવર્તતી અછતની પરિસ્થિતિનાં કારણે અનેક પરિવારો આ મર્યાદા પૂરી કરી ચૂકયા છે, ત્યારે બાકીના દિવસોમાં શું કરવું તેવો પ્રશ્ન પણ મજૂરોને સતાવી રહ્યો છે. તે વચ્ચે સમયસર ચૂકવણું ન થતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ અંગે મનરેગા યોજનાનું સંચાલન સંભાળનારા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. કે. જોશીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગત એપ્રિલથી અત્યાર સુધી કચ્છમાં 20થી 25 હજાર મજૂરોએ કામ કર્યું છે, જેમાં રૂા. 30.83 કરોડનું તેમના ખાતામાં સીધેસીધું ચૂકવણું કરવામાં આવ્યું છે અને હજુ પણ 43.86 લાખનું ચૂકવણું કચેરી કક્ષાએથી કરી દેવામાં આવ્યું છે પણ બેંકો દ્વારા ખાતામાં ટ્રાન્સફર કરવાનું બાકી છે. ગત વર્ષ દરમ્યાન 33,245 કુટુંબને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવી છે, જેમાં 23,17,844 માનવદિન ઉત્પન્ન થયા છે. આ ઉપરાંત 9037 કુટુંબે 150 દિવસના કામનો લક્ષ્યાંક પૂરો કરી લીધો છે. તેઓને આવતા એપ્રિલ માસથી ફરી કામ આપવામાં આવશે. ત્યાં સુધી શું ? એનો જવાબ કોઇની પાસે નથી. શ્રી જોશીએ જણાવ્યું કે, હાલ જિલ્લાની 627 ગ્રામ પંચાયતોમાંથી 114 ગ્રામ પંચાયતમાં કામ ચાલુ છે, જેમાં 315 કામો 52 6436 મજૂરો કામ કરી રહ્યા છે. જો કે કેટલા મજૂરોનું ચૂકવણું બાકી છે તેની વિગતો ઓનલાઇન અપડેટ ન થવાના કારણે ચોક્કસ આંકડો ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ યોજના હેઠળ કચ્છમાં ચાલતા કામો અંગે આંકડાકીય વિગતો પર નજર કરીએ તો અબડાસાની 85માંથી 6 ગ્રામ પંચાયત હેઠળ ચાલતા 50 કામો પર 107 મજૂરો, અંજારમાં 57માંથી ગ્રા.પં. હેઠળ 11 કામો પર 341 મજૂર, ભચાઉની 59 ગ્રાપં.માંથી 17માં 22 કામો પર 1570 મજૂર, ભુજ તાલુકાની 110 ગ્રા.પં.માંથી 26 હેઠળ 143 કામ પર 701 મજૂર, માંડવીની 75માંથી 10 ગ્રા.પં. હેઠળ 10 કામ પર 2314 મજૂર, મુંદરા તાલુકાની 44માંથી 10. ગ્રા.પં. હેઠળ 14 કામ પર 315 મજૂર, નખત્રાણા તાલુકાની 77માંથી 9 ગ્રા.પં. હેઠળ?14 52 550 મજૂર, રાપરની 80માંથી 28 ગ્રા.પં. હેઠળ 51 કામો પર 2538 મજૂર કામ કરી રહ્યા છે. જ્યારે ગાંધીધામ ઉદ્યોગિક શહેર હોવાથી અહીં મજૂરીનો દર ઊંચો હોવાથી એક પણ શ્રમિક મનરેગા હેઠળ કામ કરવા આવતો નથી તેમ લખપત તાલુકાના મજૂરોએ 150 દિવસનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer