છબીલ પટેલ વધુ ત્રણ દિ'' રિમાન્ડમાં

ગાંધીધામ, તા. 25 : કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી હત્યાના પ્રકરણના મુખ્ય તહોમતદાર એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ (માકાણી)ના આજે રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગ સાથે તેને ભચાઉની કોર્ટમાં રજૂ કરાયો હતો. અગાઉ 22 મુદ્દાઓ સાથે રિમાન્ડ મગાયા હતા જે પૈકી 8 મુદ્દાઓના જવાબ ન મળતાં આજે વધુ રિમાન્ડ મગાતાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાના કાવતરાના મુખ્ય આરોપી એવા છબીલ પટેલની ગત તા. 14/3ના ખાસ તપાસ દળે ધરપકડ કરી તા. 15/3ના ભચાઉની કોર્ટમાં 22 મુદ્દાઓને આધારે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરાયો હતો. અદાલતે તે સમયે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થતાં આજે વધુ ચાર દિવસના રિમાન્ડની માંગ સાથે અને 8 મુદ્દાઓના હજુ સંતોષકારક જવાબ ન મળતાં ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં દલીલો બાદ આ મુખ્ય આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મનીષા ગોસ્વામી અને સુજિત ભાઉને મળવા માટે મુખ્ય આરોપીએ શૂટર એવા શશિકાંત કાંબલેને કટરા મોકલાવ્યા હતા ત્યારે કટરા શા માટે મોકલાવ્યા ? જે અંગે આ છબીલ પટેલ જણાવતા નથી. શશિકાંત અને અશરફ અનવર શેખને છબીલ પટેલે મોબાઇલ અને સીમકાર્ડ આપ્યા હતા જે મોબાઇલ તથા સીમકાર્ડ અંગે આ આરોપી મોઢું નથી ખોલતો. છબીલ પટેલ ભારતમાં આવતાં પહેલાં યુ.એસ.એ.નાં એરપોર્ટ ખાતે પોતાના બન્ને મોબાઇલ અને સીમકાર્ડ કચરાના ડબ્બામાં ફેંકી આવ્યાનું રટણ કરે છે. એ મોબાઇલમાંથી ઘણી બધી વિગતો બહાર આવી શકે તેમ છે. શાર્પ શૂટરો અમદાવાદના ગોતા વિસ્તારમાં ભાડાંના ફલેટમાં રહેતા હતા તે ફલેટ કયો, તેનો કેવા પ્રકારનો ઉપયોગ કરાયો હતો તે માહિતી હજુ બહાર આવી નથી. તો મનીષા ગોસ્વામી અને સુજિત ભાઉનો આ બનાવમાં શું રોલ છે તે હજુ બહાર આવ્યું નથી. શાર્પ શૂટરોને આરોપીની મુંબઇની ઇનોરબિટ મોલ ખાતે એક અજાણી વ્યક્તિ રૂા. પાંચ લાખ આપી ગઇ હોવાનું બહાર આવ્યું હતું તો તે વ્યક્તિ કોણ ? કયાંની છે તે હજુ બહાર આવ્યું નથી. આ બનાવમાં ખરેખર કેટલા લોકો સંડોવાયેલા છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ પ્રકારનો શાર્પ શૂટર એવો શશિકાંત મુખ્ય આરોપી છબીલ પટેલ સાથે કારમાં સવાર થઇને ભુજ આવ્યો હતો તો તે કાર કોની અને તે હાલમાં કયાં છે તે સહિતના મુદ્દાઓ પરથી હજુ પડદો ન ઊંચકાતાં ખાસ તપાસ દળે ચાર દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે આજે છબીલ પટેલના ત્રણ?દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ અનેક પ્રશ્નોના જવાબમાં મુખ્ય આરોપી સહકાર ન આપતા હોવાનું તેમજ ગોળ-ગોળ જવાબ આપતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે તેવું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer