ગાંધીધામ પંથકમાં દેશીનાં હાટડાં ઉપર પોલીસ ત્રાટકી

ગાંધીધામ, તા. 25 : આ વિકસિત સંકુલમાં અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાના અખબારી અહેવાલ બાદ આર.આર. સેલે ધોંસ બોલાવતાં સ્થાનિક પોલીસે પણ આળસ મરડી હતી. આર.આર. સેલ અને સ્થાનિક પોલીસે જુદા જુદા પાંચ દરોડા પાડયા હતા. જેમાં ત્રણ શખ્સો પકડાયા હતા તો 7 શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા. આ પાંચ દરોડામાં કુલ રૂા. 28,620નો દેશી દારૂ અને આથો કબ્જે લેવામાં આવ્યા હતા. આર.આર. સેલની ટીમે ખારીરોહર ગામની નદીના પટમાં છાપો મારી 4900 લિટર આથો, તૈયાર દારૂ 70 લિટર તથા ભઠ્ઠીના સાધનો એમ કુલ રૂા. 16,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ મીઠીરોહરનો અનવર બાવલા સોઢા નામનો ઈસમ હાથમાં આવ્યો ન હતો. બી- ડિવિઝન પોલીસે પડાણામાં અજમેરી હોટેલની સામે દરોડો પાડી 40 લિટર તૈયાર દારૂ, 400 લિટર આથો, ભઠ્ઠીના સાધનો એમ કુલ રૂા. 4600નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પરંતુ ગુલામ જુમા ચાવડા તથા શંભુ રામજી ભીલ નામના શખ્સો હાજર મળ્યા નહોતા. તો એ-ડિવિઝન પોલીસે ભારતનગર પાછળ રિશી શિપિંગ કંપની સામે રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડામાં દરોડો પાડયો હતો. અહીંથી ધનજી કરમશી સમિયા (મહેશ્વરી) નામનો શખ્સ ઝડપાયો હતો. તેની પાસેથી 60 લિટર દારૂ, 1290 લિટર આથો, કરણફૂલ, સાધનો વગેરે મળીને કુલ રૂા. 10,580નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આર.આર. સેલે અન્ય એક દરોડો ગળપાદર અજન્તા એસ્ટેટની બાજુમાં આવેલી શટરવાળી ઓરડીમાં પાડયો હતો. અહીંથી મીઠીરોહરમાં કાસમ નૂરમામદ કોરેજાને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે મીઠીરોહરનો જુમા સિધિક સોઢા અને પડાણાનો સલિયો ઉર્ફે સલીમ મુરુ સોઢા નામના ઈસમો હાથમાં આવ્યા ન હતા. આ ઓરડીમાંથી તૈયાર દારૂ 485 લિટર તથા એક ફોન એમ કુલ રૂા. 10,200નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સેલે વધુ એક દરોડો મીઠીરોહર સીમમાં એમ.કે. બેન્સા પાછળ પાડયો હતો. અહીંથી ગામના ઈબ્રાહીમ ઓસમાણ વારાની અટક કરાઈ હતી. પરંતુ અલ્લારખા હુસેન ત્રાયા અને અલીફ ઈસ્માઈલ સોઢા હાજર મળ્યા નહોતા. આ જગ્યાએથી 600 લિટર આથો તથા 57 લિટર તૈયાર દારૂ અને સાધનો એમ કુલ રૂા. 2920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પાંચેય દરોડામાં દારૂ, આથો, સાધનો વગેરે મળીને કુલ રૂા. 44,400નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer