અનોખી ભાત ઉપસાવતી ટાંગલિયા કલા

ચોબારી (તા. ભચાઉ), તા. 23 : કલાને કોઇ સીમાડા નથી હોતા, કલા તો કસબીઓના વારસામાંથી વિસ્તરતી હોય છે. પોતાની આગવી સૂઝબૂઝ અને ધગશ અને લગનથી પસીનો પાડી અનોખી માટીનો માનવી જ સાચવી તેને ખંત અને ખુમારી થકી જીવંત રાખતું હોય છે. આવી એક વાત છે વાગડ વિસ્તારના આધોઇ ગામના અને તાણાવાણામાં ટાંગલિયા નામની ભાતને હજુએ જીવંત રાખીને બે વરસ પૂર્વે રાષ્ટ્રીય પુરસ્કારથી જેમનું સન્માન થયું છે તેવા ઓછું ભણેલા પણ ગણેલા મનજીભાઇ વણકરે પોતાના વારસામાં પિતા પાસેથી મળેલી આ કલાને સાચવીને બેઠા છે એટલું જ નહીં તેને વિસ્તારી પણ રહ્યા છે અને અવનવી ડિઝાઇન કરીને આ કલાને વધુ વિકસાવવાની મથામણ મનજીભાઇને સરકારને પણ આ દિશામાં આવવું પડે તેવા કાર્ય દ્વારા સૌ કોઇનું ધ્યાન દોરી રહ્યા છે. હસ્તકલાની વાત આવે એટલે સો કોઇ બન્ની કે ભુજની આસપાસ દોડ મૂકે પરંતુ એવું નથી, પૂર્વ કચ્છના પછાત ગણાતા રાપર-ભચાઉ તાલુકા જે વાગડ તરીકે ઓળખાય છે તે તરફ કોઇ નજર કરે તો અહીં પણ પોતાની આગવી કલાને સાચવનારા હજુએ તેને જાળવવાની મથામણ કરી રહ્યા છે. ચોબારીમાં કારીગરે રોગાનકલાને હજુએ જીવંત રાખી છે તેમ આધોઇ ગામના આ કારીગરે પોતાને મળેલા વારસાને અનોખું કલેવર આપીને આધુનિક સમયમાં સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. મનજીભાઇ લૂમ પર બેસીને તાણાવાણામાં ટાંગલિયો એટલે કે ભરવાડ જ્ઞાતિની બહેનોના વાઘા. લગ્નવેળાએ પહેરાતા, આકર્ષક ભાત ઉપસાવીને બનાવાતા લગ્ન માટેના પ્રથમ વખત પહેરાતા વત્ર વરસો પહેલાં પહેરાતા. સમય જતાં તે લુપ્ત થવા માંડયા પરંતુ સમયને પારખીને મનજીભાઇ તેમાં ઝડપભેર પરિવર્તન લાવ્યા અને જીવસૃષ્ટિના અનેક જીવો કરોડિયા, પતંગિયા, ગોકળગાય, મોર, વીંછી, આંબો, સુડો, દેરડી જેવી પ્રાકૃતિક ભાતો ઉપસાવીને આકર્ષક ડિઝાઇનોમાં વત્રોમાં ચણિયાને બદલે જાકીટ, સ્ટોલ, દુપટ્ટા રૂમાલ, શાલ, સાડી વગેરેના આભાત ઉપરાંત કચ્છની ઓળખસમા સુરખાબ પક્ષીની ભાતને આબેહૂબ આલેખીને તાણાવાણામાં તેમને ઉપસાવી કાઢી છે, જેનાથી રંગબેરંગી સાડી, સ્ટોલ કે જાકીટ દીપી ઊઠે છે અને બહારથી આવનાર કચ્છી કલા કારીગીરીની સાથે કચ્છની એક અનોખી ઓળખ લઇને જાય છે. મનજીભાઇને એવોર્ડ વત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા જે પ્રાપ્ત થયો તેનાથી તેમની ધગશ વધી છે અને આ કાર્યને આગળ વધારવા મથામણ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer