7મીના કૃત્રિમ હાથના કેમ્પમાં વધુ લાભાર્થીને જોડવા તંત્ર મદદ કરશે

અંજાર, તા. 25 : અહીંની રોટરી ક્લબ દ્વારા રોટરી ક્લબ ઓફ જામનગર, એલેન મેડોઝ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન (યુ.એસ.એ.) અને કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગે આગામી 7મી એપ્રિલે વેલજીભાઇ ગજ્જર રોટરી હોલ ખાતે યોજાનારા નિ:શુલ્ક કૃત્રિમ હાથના કેમ્પમાં વધુમાં વધુ લાભાર્થી જોડાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઉપરાંત તલાટીઓ પણ મદદરૂપ બને તેવી અપીલ તલાટીઓની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અંજારની મુલાકાતે આવ્યા ત્યારે તાલુકાના તલાટીઓની મિટિંગમાં રોટરી અંજારના પદાધિકારીઓને સાથે રાખી એલ.એન.-4 કેમ્પ વિશે દરેક ગામડામાં પ્રચાર કરી લાભાર્થીઓને મદદરૂપ થવા અપીલ કરી હતી તેમજ દરેક તાલુકા વિકાસ અધિકારીઓને પણ લેખિત સૂચના આપવામાં આવી હતી. રોટરી ક્લબ અંજારના પદાધિકારીઓ દ્વારા દરેક તાલુકા અધિકારીઓને રૂબરૂ મળી પ્રચાર સાહિત્ય તેમના કાર્યક્ષેત્રમાં વિતરણ કરવા પૂરું પાડવામાં આવ્યું હતું. તે સિવાય દરેક તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરને પણ રૂબરૂ મળી આશાવર્કર બહેનોનો સહકાર મેળવવા અપીલ કરી હતી. રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા. 30/3 છે. હજુ પણ કોઇને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેઓએ વેલજી જે. આહીર-94274 58706, રો. મુકેશ ભલાની-99989 44209, રો. શિરીષ હરિયા-94269 16170, રો. સુનીલ જોબનપુત્રા-94288 98602, રો. ફારૂખ ખત્રી-99259 77028, રો. રાજા દક્ષિણી-94262 17937નો સંપર્ક કરવા જણાવાયું છે. આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવેલા લાભાર્થીને તા. 3/4 સુધી ફોનથી જાણ કરી દેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer