કવીઓ જૈન સમાજનું સહિયારું અભિયાન

કનૈયાલાલ જોશી તરફથી મુંબઈ, તા. 25 : અહીંના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં નાણાકીય કટોકટી સર્જાઈ છે. સમાજના મધ્યમવર્ગના લોકો વરિષ્ઠ નાગરિકો અને વિધવા બહેનોની જીવનમૂડી કેટલાક નાણાદલાલો અને ડિફોલ્ટર પાર્ટીઓ પાસે ફસાઈ છે. એમાં જે સાવ તૂટી ગયા છે તેમને બેઠા કરવાની ગંભીર વિચારણા ચાલે છે. કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન પ્રેરિત કચ્છી સહિયારું અભિયાનના ધીરજ છેડા (એકલવીર)એ આ માહિતી આપતાં જણાવ્યું કે મધ્યમ અને એથીયે નીચલા વર્ગના લોકોની રકમ લાખ, બે લાખ, પાંચ લાખ જેટલી છે પણ આ રકમ તેમની જીવનમૂડી છે. આવા નાના લોકોના પૈસા એવા ઠેકાણે ફસાયા છે કે હાલતુરત પાછા મળે તેમ નથી. આવા સપડાયેલા નાના વર્ગને મદદરૂપ થવાની વિચારણા ચાલે છે. અતુલ ભારાણીની છ પાર્ટી નાણાં જલદી પરત કરશે નાણાદલાલ અતુલ ભારાણી મારફત પૈસા ગયા છે તેમાંથી છ જણે વ્યાજ સાથે રકમ જલદીમાં જલદી પરત કરવાની ખાતરી આપી છે, બે અઠવાડિયામાં જ આ બેઠકો થઈ છે. આ દેવાદારો પાસે 6 કરોડ, 10 કરોડ, 9 કરોડ કે 14 કરોડ રૂા. જેવી રકમો લેવાની નીકળે છે. આ પહેલાં એક નાણાદલાલ પાસેથી બે કરોડ રૂા. આવ્યા હતા. તેનું વિતરણ કરાયું છે તો ગણેશ પાપડની 40 ટકા રકમ આવી છે એ પછી દર મહિને પાંચ-પાંચ લાખ રૂા. આપવાની ખાતરી આપી છે. ભારાણી બંધુઓમાંથી નીલેશ ભારાણી બેઠકમાં હાજરી આપે છે. ભારાણીએ નાણાં રોકયાં છે એવી પાર્ટીઓમાંથી વારાફરતી બોલાવાય છે. અભિયાન પોતાનો લક્ષ્યાંક પૂરો કરીને જ ઝંપશે ધીરજભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાણાં ફસાયાં છે એવા નાનામાં નાના માણસને ન્યાય નહીં મળે ત્યાં સુધી અભિયાનના કર્તાહર્તાઓ પોતાના પ્રયાસો ચાલુ રાખશે. કવીઓ મહાજન અને કચ્છી જૈન ફાઉન્ડેશને જે લક્ષ્યાંક નક્કી કર્યા હતા તે પૂરા કર્યા છે એ જ રીતે અભિયાન પણ પોતાના ટાર્ગેટમાં સફળ થશે જ. સમાજમાં વિશ્વાસની ભાવના સ્થાપિત કરવી છે પરિવારના સભ્યને પણ લોન આપવી હોય તો ત્રીજી વ્યક્તિ મારફત પૈસા આપવા અને સ્વમાન જળવાય એ રીતે પાછા મેળવવાની પ્રથા સમાજના દીર્ઘદૃષ્ટા પૂર્વસૂરિઓએ શરૂ કરી છે. લોકોના પૈસા ડૂબવાનાં કારણે સમાજમાં અવિશ્વાસ પેદા થયો છે. આ વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવાના અભિયાનના પ્રયત્નો છે. નોકરી કરતો યુવાન પોતાનો વેપાર કે ઉદ્યોગ સ્થાપવા પ્રેરાય અને તેમાં આર્થિક સહયોગ બહાર મળી રહે તેવી જૂની વ્યવસ્થાને પુન: જીવિત કરવી છે એમ પણ ધીરજભાઈ છેડાએ જણાવ્યું છે. કામગીરીમાં કોઈ કનડગત નથી નાણાદલાલો કે ડિફોલ્ટર પાર્ટીઓ પાસેથી પૈસા કઢાવીને લેણદારોને પરત અપાવવા માટે બંનેને સાથે બેસાડવામાં આવે છે. જ્યારે જ્યારે અભિયાને દેવાદારોને બોલાવ્યા છે ત્યારે ત્યારે તેઓ આવ્યા છે. પોતાની ભૂલ મોકળા મને કબૂલ કરી છે. એ સાથે હવે કોઈ માર્ગ કાઢી આપવા અને તેના પર ચાલવાની તૈયારી દર્શાવી છે. ધીરજભાઈએ કહ્યું હતું કે, બંને વચ્ચે સમજૂતી કરાવવાની પ્રક્રિયામાં ક્યારેય કોઈ મુશ્કેલી આવી નથી. આજ સુધી કોઇએ કનડગત કરી નથી, ઉડાઉ જવાબ આપ્યા નથી. દરેકે પોતાની ખાનદાની બતાવી છે તેના કારણે અમને પણ સમાજનું કામ કરવામાં સરળતા રહી છે. જે કંઈ બન્યું છે તેના પરિણામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બીમારને દવાની મુશ્કેલી પડી છે. વિધવા કે વરિષ્ઠને ઘર ચલાવવામાં વાંધા પડયા. હવે વ્યવહાર ફરી ચાલુ થાય એ રીતે આગળ વધવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer