કચ્છમાં અકસ્માત-આપઘાતથી ત્રણનાં મોત

ગાંધીધામ, તા. 25 : નખત્રાણા તાલુકાનાં મોટી વિરાણીમાં યાસ્મીન અયુબ જુણેજા (ઉ.વ. 16)?નામની કિશોરીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ભારાપરમાં અકસ્માતે દાઝી જનારા ફાતમાબેન લતીફ આદમ થેબા (ઉ.વ. 40)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવમાં તેના પતિ પણ દાઝી ગયા હતા, જે સારવાર હેઠળ છે. બીજી બાજુ મખણામાં વિશ્રામ સુમાર ભદ્રુ (ઉ.વ. 40) નામના યુવાને ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. મોટી વિરાણીમાં રહેનારી યાસ્મીન નામની કિશોરીના માતા અને દાદી આજે સવારે ભુજ આવવા માટે તૈયારી કરી રહ્યા હતા દરમ્યાન, આ કિશોરીએ પોતાને પણ સાથે લઇ જવા માંગ કરી હતી. પરંતુ ઘરે આ કિશોરીનો દિવ્યાંગ ભાઇ?એકલો હોવાથી તેને ભુજ ન લઇ જવા જણાવાયું હતું. પછીથી આ હતભાગી કિશોરીએ પોતાના ઘરે લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બીજી બાજુ ભારાપરમાં રહેનારા ફાતમાબેન પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે દાઝવા લાગતાં તેમના પતિ તેમને બચાવવા દોડયા હતા, જેમાં આ બંને દાઝી ગયા હતા. સારવાર અર્થે ખસેડાયા બાદ આ નિ:સંતાન મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો જ્યારે તેના પતિને સારવાર હેઠળ રખાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અપમૃત્યુનો વધુ એક બનાવ મખણા ગામમાં બન્યો હતો. આ ગામમાં રહેનારા વિશ્રામ ભદ્રુ નામના યુવાને ગઇકાલે રાત્રે પોતાના ઘરે આડીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer