લખપત તા.ના આર્થિક વ્યવહારોમાં 75 ટકા ભાર દયાપર બેંક પર શા માટે ?

દયાપર (તા. લખપત), તા. 25 : તાલુકાનાં મુખ્ય મથક દયાપર ખાતે આવેલી દેના બેંકમાં દૈનિક ભીડનાં કારણે રૂટિનમાં આવતા વેપારીઓ પરેશાન થયા છે. એક બાજુ સ્ટાફ ઓછો અને બેંકનું મકાન નાનું પડતાં દરરોજ માથાકૂટ થવાની ફરિયાદ ઊઠી છે. દયાપર વેપારી મંડળે બેંકના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરતાં કહ્યું હતું કે, ડેબિટ અને ક્રેડિટની બે અલગ લાઇનો કરવામાં આવે તે જરૂરી છે. આ બાબતે ઝોનલ મેનેજરને લખેલા પત્રમાં બેંકમાં તથા બેંકની બહાર દરરોજ ભીડ જમા થઇ જાય છે. બબ્બે-ત્રણ-ત્રણ કલાક વેપારીઓને લાઇનમાં ઊભા રહેવું પડે છે. નરેગાના એકાઉન્ટ સ્ટેટ બેંક ના પાડતાં આ ખાતાધારકોની અહીં દૈનિક ભીડ રહે છે. આ ઉપરાંત દૂધના ચૂકવણાં પણ દર અઠવાડિયે થતાં, ખેડૂતોની સહાયનાં ચૂકવણાં પણ અહીંથી થતાં દરરોજ બેંકમાં ચાર વાગ્યા સુધી ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી તેવી ફરિયાદ કરાઇ છે. એક કારકૂન અને એક ઓફિસરની વધુ ભરતી કરવામાં આવે તથા બેંકનું મકાન મોટું રખાય તો લોકોને સુવિધા થાય. આ બેંકમાં ખાતાઓની સંખ્યા દિનબદિન વધતી જાય છે ત્યારે વેપારીઓને પડતી મુશ્કેલીનું નિવારણ થાય તે જરૂરી છે. લખપત તાલુકાનો 75 ટકા હિસ્સો આ બેંક ઉપર છે. દૈનિક માથાકૂટથી કર્મચારીઓ પણ ત્રસ્ત થઇ જાય છે. મજૂરવર્ગ દરરોજ દુ:ખી થાય છે. નરેગાના ખાતા એસ.બી.આઇ.માં ચાલુ થાય તો રાહત રહે અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા કરાય તેવી માંગ વેપારી મંડળ વતી પ્રમુખ વિશ્વનાથ જોશીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer