ભુજમાં મહિલાના ગળામાંથી ચેઇનના ટુકડાની ચીલ ઝડપ

ગાંધીધામ, તા. 25 : ભુજની લોટસ કોલોની રિંગ રોડ મહાકાળી માતાના મંદિર પાસેથી પસાર થનારા એક મહિલાના ગળામાંથી એક ઇસમ રૂા. 39,700ના સોનાની ચેઇનના ટુકડાની ચીલઝડપ કરી નાસી ગયો હતો. માધાપરમાં રહેતા અરવિંદ પ્રાણજીવન જેઠી અને તેમના પત્ની નંદાબેન ગત તા. 8-11-2018ના ભુજના પ્રમુખ સ્વામી નગરમાં પોતાની બાઇક પર સવાર થઇને આવી રહ્યા હતા. દરમ્યાન મહાકાળીના મંદિર પાસે પાછળથી એક ઇસમે આવી આ મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો હતો. જેમાં મગમાળા અને ચંદનહાર એમ બન્ને ચેઇનના બે ટુકડા કિંમત રૂા. 39,700 આ ઇસમના હાથમાં આવી જતાં તે ઇસમ નાસી ગયો હતો. દરમ્યાન પોલીસે સરફરાજ ઉર્ફે ફૈઝલ અબ્દુલ મંધરિયા નામના ઇસમને પકડી પાડયો છે અને તે આ ગુનાની કબૂલાત આપતો હોવાની ખબર આ મહિલાને થતાં આ બનાવ આજે પોલીસ ચોપડે ચડયો હતો, તેવું પોલીસે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer