નાગોરની સાત વાડીઓમાંથી વાયર-મોટરો ચોરાઈ !

ગાંધીધામ, તા. 25 : ભુજ તાલુકાના નાગોર ગામની સીમમાં આવેલી 7 વાડીમાંથી એકીસાથે પાણી ખેંચવાની મોટરો, વાયર એમ કુલ રૂા. 86,500ની મતાની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. તો બીજીબાજુ અંજારના સતાપર-લાખાપર રોડ નજીક એક વાડામાંથી રૂા. 80,000ની ભેંસ અને પાડાની ચોરીનો બનાવ બન્યો હતો. નાગોર ગામની સીમના વાડી વિસ્તારમાં ગત તા. 17/3થી 18/3 દરમ્યાન તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. ગામની સીમમાં આવેલી ભરત મનજી સોરઠિયાની વાડીમાંથી 20 એચ.પી.ની મોટર, 16 એમ.એમ.નો 500 ફૂટ વાયર, સામજી ડાયા સોરઠિયાની વાડીમાંથી 250 ફૂટ કોપરનો વાયર, પ્રેમજી રામજી સોરઠિયાની વાડીમાંથી એક મોટર 20 એચ.પી.ની તથા 6 એમ.એમ.નો 40 ફૂટ વાયર, ભરત રામજી સોરઠિયાની વાડીમાંથી 6 એમ.એમ.નો 80 ફૂટ વાયર, મોહન સામજી સોરઠિયાની વાડીમાંથી 6 એમ.એમ.નો કોપરનો 60 ફૂટ વાયર, રમેશ ગોપાલ સોરઠિયાની વાડીમાંથી 80 ફૂટ વાયર તથા જગદીશ નારાણ સોરઠિયાની વાડીમાંથી 6 એમ.એમ.નો 40 ફૂટ વાયર એમ કુલ રૂા. 86,500 મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. બીજીબાજુ સતાપરમાં રહેતા ખેડૂત અને પશુપાલક એવા સામજી અમરા ડુંગરિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સતાપર લાખાપર માર્ગ ઉપર પોતાના પશુઓ માટે તેમણે વાડો બનાવ્યો છે. જેમાં 23 ભેંસ અને એક પાડા પૈકી રૂા. 80,000ની એક ગાંડી ભેંસ અને પાડાની તા. 11/3થી 12/3 દરમ્યાન ચોરી થઈ હતી. આ અંગે અંજાર-સાપેડા માર્ગ પાસે રહેતા કારા લાખા ઉર્ફે કારો માર્ક સન્ધીનું નામ શકદાર તરીકે પોલીસ મથકે લખાવાયું હતું. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer