કિડાણાનાં રહેણાક મકાનમાં ચાલતી જુગાર ક્લબ ઝડપાઈ

ગાંધીધામ, તા. 25 : તાલુકાનાં કિડાણાની વૈભવ વીલા સોસાયટીમાં ચાલતા જુગારધામ ઉપર એલ.સી.બી.એ છાપો માર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન 6 શખ્સોની અટક કરી રૂા. 35,750નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કિડાણાની વૈભવ વીલા સોસાયટીનાં મકાન નંબર 31માં જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમીના આધારે ગઈકાલે રાત્રે સ્થાનિક ગુનાશોધક શાખાએ આ મકાનમાં દરોડો પાડયો હતો. આ મકાનમાં રહેતો અમૃત ખીમજી રાવલ બહારથી ખેલીઓને બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવતો હતો. દરમ્યાન પોલીસે છાપો મારીને મકાનમાં જુગાર ખેલતા જનક સવારામ જોશી, કલુભા રતનશી પરમાર, શૈલેશ હરદેવ જોશી, મુકેશ પચાણ જોશી, મંગલ રાજુ ભીલ અને ખુદ અમૃત રાવલની ધરપકડ કરી હતી. પત્તા ટીચતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 24,750 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 35,750નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.એ જુગારનો સફળ દરોડો પાડતાં સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ પડી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer