સત્તર વર્ષના એકચક્રી શાસન બાદ ''77માં ડો. મહેતા હાર્યા

ભુજ, તા. 25 : 1971માં પાંચમી લોકસભા રચાઈ અને કચ્છ બેઠક પરથી ચૂંટાઈને ડો. મહિપતરાય મૂળશંકર મહેતાએ સંસદમાં પ્રવેશ કર્યો અને ધીમે- ધીમે કોંગ્રેસમાં પડેલા ભંગાણને પગલે પલાયનવાદ શરૂ થયો. સંસ્થા કોંગ્રેસ તૂટવા મંડી અને ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ મજબૂતાઈ પકડવા લાગી. કચ્છમાં પણ તેની અસરો દેખાવા મંડી... ત્યાં 1975માં અલાહાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ જાહેર કરી અને 25મી જૂને વડાપ્રધાને ભારતમાં કટોકટી જાહેર કરી દીધી. કટોકટીમાં સૌપ્રથમ દેશભરના અગ્રહરોળના રાજકીય વિરોધી નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. અખબારી સ્વાતંત્ર્યતા પર પ્રતિબંધ લગાવી દેવાયો અને મીસાનો કાયદો અમલમાં મુકાયો. અંગ્રેજોને પણ શરમાવે તેવી દમનનીતિ અમલમાં આવી. તે વખતે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. વિધાનસભાના અધ્યક્ષ કચ્છીમાડુ કુંદનલાલ જશવંતલાલ ધોળકિયા હતા. રાજ્ય સરકાર મજબૂતાઈથી કટોકટીનો સામનો કરી રહી હતી, પણ પક્ષપલટાનો દોર એવો તો વેધક હતો કે 12મી માર્ચ-76ના જનતા મોરચાની સરકાર બજેટની એક માગણી દરમ્યાન એક મતે પરાસ્ત થઈ અને મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ શાસન તળે ગુજરાત મુકાયું અને મીસા તળે કચ્છમાંથી ઈન્દુભાઈ જાની, અનંત દવે સહિત પંદરેક જણની ધરપકડ થઈ. બાબુભાઈ પટેલ પણ જેલમાં ગયા. ફ્લેશબેકમાં આપણે લોક- સભાની એક પછી એક ચૂંટણીઓની ચર્ચા કરી રહ્યા છીએ, પણ કટોકટી કાળ અને ગુજરાતના સંવેદનશીલ રાજકારણની પણ અવગણના ન થાય. ડો. મહેતા અને પ્રેમજીભાઈ ઠક્કર વચ્ચે તીવ્ર મતભેદ હતા અને જ્યારે રાજ્ય સરકારની રચના થઈ-તા. 24/12/76ના ત્યારે ડો. મહેતાના કહેવાથી પ્રેમજીભાઈને પ્રધાન ન બનાવાયા અને હરિલાલ નાનજી પટેલ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા. સોગંદવિધિ સવારે થવાની હતી અને રાત્રે 12 વાગ્યે તા. 24/12/76ના અમદાવાદ નવા વિશ્રામગૃહમાં પ્રધાન- મંડળમાં સમાવેશ નથી થયો તેવા આઘાતથી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરને હૃદયરોગનો હુમલો આવ્યો અને એમનું નિધન થયું. અંજાર વિધાનસભાની બેઠક પ્રેમજીભાઈના અવસાનથી ખાલી પડી અને 14/6/77ના પેટા ચૂંટણી થઈ, જેમાં જનતા પક્ષના ચંપકલાલ ચૂનીલાલ શાહ કોંગ્રેસના બી.એફ. આચાર્યને હરાવીને જીત્યા હતા. 1977માં 18મી જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધીએ ધડાકો કર્યો. લોકસભા વિસર્જિત કરી. માર્ચમાં છઠ્ઠી લોકસભાની ચૂંટણી જાહેર થઈ. એ વખતે અનંત દવેએ જનતા પક્ષમાંથી 1,15,514 મત મેળવી શાસક કોંગ્રેસના ડો. મહિપતરાય મહેતાને હરાવ્યા હતા. શ્રી મહેતાને 1,04,698 મત મળ્યા હતા. 1960થી સતત રાજ્યસભા, વિધાનસભા અને લોકસભામાં ચૂંટાનારા ડો. મહેતા 17 વર્ષે પ્રથમ વખત હાર્યા હતા. 1978માં શાસક કોંગ્રેસમાં ભંગાણ પડયું અને ઈન્દિરા શાસક કોંગ્રેસ અને સ્વર્ણસિંહ કોંગ્રેસ એમ બે ભાગ પડયા. 1979માં તેમાં ફરી શાસક કોંગ્રેસ તૂટી અને અર્સ કોંગ્રેસ સર્જાઈ. મોંઘવારી ખાંડ, ડીઝલ, કેરોસીનના કકડાટ વચ્ચે નોકરિયાત, મજૂરોએ સંઘર્ષ શરૂ કર્યો અને ચૌધરી ચરણસિંહની રખેવાળ સરકારમાં 1980માં સાતમી લોકસભાની ચૂંટણી જાહેર થઈ. કચ્છમાં તા. 3/1/80ના ચૂંટણી થઈ અને છઠ્ઠી જાન્યુઆરી-80ના પરિણામ જાહેર થયું. જેમાં ઈન્દિરા કોંગ્રેસના ડો. મહેતા 1,33,163 મત મેળવી જીત્યા. તેમના હરીફ જનતા પક્ષના અનંત દવેને 1,12,212 અને કોંગ્રેસ અર્સના બિપિનચંદ્ર અંતાણીને 13,569 મત મળ્યા. તે વખતે કચ્છમાં 5,06,980 મતદાર હતા. જેમાંથી 2,82,124એ મતદાન કર્યું અને ડો. મહેતાને 49 ટકા મત મળ્યા. શ્રી દવેએ 41 ટકા મત મેળવ્યા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer