અંતે ડીપીટી ચેરમેનની પાંચ વર્ષની નિયુક્તિનો આદેશ જારી

ગાંધીધામ, તા. 25 : ગુજરાત કેડરના આઈ.એફ.એસ. અધિકારી સંજય કે. મહેતાની દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ તરીકે પસંદગીને બહાલ રખાયા બાદ આજે શિપિંગ મંત્રાલયે આ પદે તેમની પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર નિયુક્તિનો આદેશ જારી કર્યો હતો. જૂનાગઢમાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે કાર્યરત 1990ના આઈ.એફ.એસ. શ્રી મહેતા મૂળ હિલસા-નાલંદા (બિહાર)ના છે. તેઓ ગુજરાત કેડરના અધિકારી છે અને ગત સપ્તાહે તેમની ડીપીટીના અધ્યક્ષપદે નિયુક્તિની ફાઈલને બહાલી આપતો આદેશ જારી થયો હતો. આ અગાઉ બિહાર કેડરના, પરંતુ મૂળ ગુજરાતી અધિકારી રવિ પરમાર પૂર્ણકાલીન અધ્યક્ષપદે રહ્યા હતા. તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તથા ઈન્ડિયન પોર્ટ્સ એસોસિયેશનના અધ્યક્ષ એવા સંજય ભાટિયાને ડીપીટીના અધ્યક્ષપદનો હવાલો સોંપાયો હતો. હવે પૂર્ણકાલીન ચેરમેન તરીકે યોગાનુયોગ સંજય મહેતા ગુજરાત કેડરના, પરંતુ મૂળે બિહારના અધિકારીને મુકાયા છે. તેઓ અહીં જ્યારથી હવાલો સંભાળશે ત્યારથી પાંચ વર્ષ સુધી ચેરમેન પદે રહેશે તેવું મંત્રાલયના ડાયરેક્ટર સંદીપ ગુપ્તા દ્વારા જારી આદેશમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer