લખપત તા.માં ઐતિહાસિક સંખ્યામાં ચમત્કારિક ઢોરવાડા

લખપત તા.માં ઐતિહાસિક સંખ્યામાં ચમત્કારિક ઢોરવાડા
વિશ્વનાથ જોશી દ્વારા
દયાપર (તા. લખપત), તા. 24 : દુષ્કાળનો ભોગ બનેલા લખપત તાલુકામાં સરકાર દ્વારા ઘાસ વિતરણ તેમજ ઢોરવાડા મંજૂરીની વ્યવસ્થા ગોઠવાઇ. છેવાડાના તાલુકાના સીમતળમાં  પાણી  વર્ષોથી ખૂટયાં છે. તાલુકાના મોટા બે ડેમ નરા અને ગોંધાતડ ડેમ હાલ સાવ તળિયાઝાટક થયા છે. તળાવો પણ ખાલી છે. ઘાસચારો સીમતળમાં રહ્યો નથી, ત્યારે ઘાસડેપોમાંથી ઘાસનું વિતરણ અને ઢોરવાડામાં પશુઓનો નિભાવ, પાણીની સુવિધા વિગેરે મુખ્ય પ્રશ્નો હલ થઇ રહ્યાં છે. પણ તે સાથે નવીનતા એક વાતની છે કે, અગાઉ ક્યારે આટલી મોટી સંખ્યામાં ઢોરવાડા મંજૂર ન થયા હોય તેટલા એટલે કે 61 ઢોરવાડા કાર્યરત છે. અને બે-ત્રણ મહિનાનો સમયગાળો વિત્યો. વિવિધ વિભાગના અધિકારીઓ ઢોરવાડા ચેક કરવા જાય છે. કોઇ ફરિયાદ નહીં, કોઇ નોટિસ નહીં. કોઇ પ્રશ્ન નહીં. આ બધું ઘણા માટે  આશ્ચર્યજનક છે. એકેય ઢોરવાળાને  નોટિસ સુદ્ધાં નહીં મતલબ 61 ઢોરવાડા તમામ  સમાસૂતરા ચાલી રહ્યા છે ચમત્કાર છે. અછત જાહેર થતાં જ લખપત તાલુકામાં મોટી સંખ્યામાં ટ્રસ્ટો જન્મી ચૂક્યા. માલધારી ટ્રસ્ટને  ચેરિટેબલ ટ્રસ્ટ ને જનસેવા ટ્રસ્ટ, પશુ સેવા ટ્રસ્ટ આવા રૂપકડા નામથી સેવા-મેવાની ભાવનાથી ઘણા બધા ટ્રસ્ટો જન્મી ચૂક્યા છે અને વરસાદ પડતાં અછત બંધ થતાં આ ટ્રસ્ટો મૃતપાય પણ બની જતા હોય છે. તાલુકામાં 86 ગામડા બાકી વાંઢ છે. કુલ 105 થાય છે, તેમાં 61 ઢોરવાડા થાય તો  એનો મતલબ થયો કે 20 ગામ જ બાકી છે. 61 ઢોરવાડા પછી બીજા બે ઢોરવાડા હાલમાં જ મંજૂર થયા છે, એટલે કે 63 ઢોરવાડામાં 30,000 પશુઓનો નિભાવ થાય છે, એટલે કે દૈનિક 10 લાખ 50 હજાર જેટલી સબસિડીની રકમ સરકાર આ ઢોરવાડાના સંચાલકોને ચૂકવે છે. મહિને 3 કરોડની રકમ સબસિડી પાછળ ખર્ચાય છે. મોટાભાગના માલધારીઓ પાસે 10થી 20 લાખની કિંમતની ભેંસો છે. છતાં ઢોરવાડા તપાસ કરનાર અધિકારીઓને  પૂછતાં તેઓ જવાબ આપે છે કે, દુષ્કાળનું વર્ષ છે અને માનવતાનું ધોરણ રાખી ચેક કરાય છે. છાંયડા જેવા સામાન્ય પ્રશ્નો માટે મૌખિક સૂચના આપી દેવાય છે. મંજૂરી વખતે જે કડકાઇ હતી તે ઢોરવાડા શરૂ થયા પછી નથી અને તેનો ગેરફાયદો અનુભવીઓ બેફામ બનીને  ઉઠાવતા હોવાની આશંકા છે. વર્ષ 2011માં પશુ ગણતરી થઇ?હતી જે પ્રમાણે લખપત તાલુકામાં 89000 પશુઓની  સંખ્યા દર્શાવાઇ છે. જો આ સંખ્યા પકડીએ તો 30 હજારની સંખ્યામાં પશુઓ ઢોરવાડામાં છે. 10 હજાર જેટલા પશુઓની હિજરત થઇ છે. તાલુકાના 18 ઘાસડેપો છે, જેમાં 8604 ઘાસકાર્ડ વિતરણ થયા છે. જો તમામ ઘાસકાર્ડમાં પાંચ પશુ સંખ્યા ગણીએ તો 43020 પશુઓ ઘાસકાર્ડમાં નોંધાયા. એનો મતલબ ઘાસકાર્ડમાં અપાતો ઘાસચારો બ્લેકમાં  વેચાતો હોય તેવી આશંકા ઉભી થયા વગર રહે નહીં. સરકારના પરિપત્ર મુજબ ઢોરવાડામાં દરેક ઢોરને `ટેગ' કરવાના હોય છે, પરંતુ તેમાંય 5 ટકાની છૂટ અપાઇ છે. મતલબ 1000 પશુઓની સંખ્યા હોય તો 50 પશુઓની છૂટ છે.  અછતની પરિસ્થિતિ વચ્ચે 18 ઘાસડેપો પર 61 લાખ કિ.ગ્રામથી વધુ ઘાસ વિતરણ થઇ ચૂક્યું છે. જોકે, અમુક ડેપો પર ઘાસની ફરિયાદ પણ આવી રહી છે. સુભાષપર ડેપો પર  નિયમિત ઘાસ મળતું નથી તેવું ખાણોટના અબ્દુલા જતએ  જણાવ્યું હતું. મહિનામાં એકાદ વાર માંડ ઘાસ મળે છે.  તેથી મુશ્કેલીઓ થાય છે. તેવું કચ્છમિત્રની ટીમને જણાવ્યું હતું. મામલતદાર વી.ઓ. પટેલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, અમો ઢોરવાડાની વ્યવસ્થિત ચેકિંગ કરીએ છીએ. ઢોરવાડામાં જઇ સીધા અમુક ટેગ નંબર બોલીએ. 25 નંબરનું પશુ બતાવો. 30 નંબરનું 110 નંબરનું પશુ બતાવો... એટલે  એમાં ખોટું થઇ ન શકે. ગામના કેટલા પશુઓ કેટલ કેમ્પમાં છે, તેની માહિતી ગ્રા.પં.માંથી પણ લેવાય છે. કેટલ કેમ્પમાં પશુઓ રાત્રે પશુ માલિકો ઘરે લઇ જાય છે. પાછા દિવસના આ પશુઓ ઢોરવાડામાં  આવી જાય છે એવું પણ બની રહ્યું છે. મોટાભાગના ઢોરવાડામાં છાંયડાની વ્યવસ્થા નથી. જેમાં કુદરતે  ઉગેલા વૃક્ષોના છાંયડાને ઢોરવાડાની છાંયડા વ્યવસ્થા તરીકે બતાવી દેવાય છે. ટૂંકમાં ઢોરવાડા સામે માનવતા ભલે રખાય, પરંતુ સરકારના મહિને 3 કરોડ ખર્ચની યોગ્ય તપાસ પણ કરાય તે જરૂરી છે. 63 ઢોરવાડા પૈકી ઘણા એવા ઢોરવાડા પણ છે જે ખરેખર પશુઓની  સેવા કરે છે અને પશુઓને  યોગ્ય પ્રમાણમાં ઘાસચારો ખવડાવે પણ છે, છતાં અમુક ઢોરવાડાના કારણે સારી સંસ્થાઓને નુકસાન ન થાય તે રીતે તટસ્થ તપાસ નિયમિત કરવી જોઇએ. તાજેતરમાં તાલુકા પંચાયત કચેરીમાં અછતની બેઠકમાં આટલા વર્ષો પછી પાણી પુરવઠા અધિકારીનું તાલુકા પંચાયતના  પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા પાણીની સુદૃઢ સુવિધા અને ટેન્કર મુકત લખપત તાલુકા બદલ સન્માન કરાયું, જેમાં  દર વખતે દુષ્કાળમાં  ખાનગી ટેન્કરોના બનતા લાખોના બિલ, ડીઝલ ખર્ચ છતાં તાલુકામાં લોકોના પાણી પ્રશ્નો યથાવત જ રહેતાં આવી સમસ્યાઓ હવે નથી દેખાતી અને તાલુકામાં અછતનો કપરો કાળ હોવા છતાં ખાનગી ટેન્કરોના મોથાજ નથી. તેવું ચિત્ર ઉભું થયું છે અને  પાણી પુરવઠા કચેરીને તાળાબંધી કે ફરિયાદો હવે થતી નથી તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. તા.પં. કચેરીમાં હાસમભાઇ મંધરા, વિક્રમસિંહ સોઢા વિગેરેએ પાણી પુરવઠા અધિકારી શ્રી ગુંસાઇનું સન્માન કર્યું હતું. આ સન્માનને આઠ-દશ દિવસ થઇ?ગયા ત્યારે ઘડુલીમાં પાણીની સમસ્યા વધી છે. ગામના  ઉપસરપંચ સવાઇભાઇ પુરોહિતએ કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી લાઇન વાટે નિયમિત પાણી આવતું નથી. પાણી આવે તો સીધું પ્રથમ સિયોત સમ્પમાં જાય છે અને ત્યાર પછી ઘડુલીમાં પાણી છોડાય છે, પરિણામે પાણી ચડતું નથી. લોકોને છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા હોવાની ફરિયાદ છે. પાણી પુરવઠાના અધિકારીઓ ફોન રીસીવ પણ કરતાં નથી તેવું ફોન પર જણાવ્યું હતું. પુનરાજપર ગ્રા.પં.ના પૂર્વ સરપંચ જેતમાલજી જાડેજાએ પણ પુનરાજપર, બૈયાવા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી મળતું નથી. ફરિયાદ કરતાં કહ્યું હતું કે, આ બાબતે ન છૂટકે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઇ છે. તાલુકાને `ટેન્કર મુકત'ની લાયમાં પાણી પુરવઠા કચેરી ટેન્કર પણ નથી મોકલાવતી. ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે  પાણી પુરવઠા તંત્ર લાઇન વાટે પાણી નિયમિત ન થાય તો  ટેન્કર દ્વારા  પહોંચાડે તેવી રજૂઆત કરાઇ છે. પાણી પુરવઠાના વિભાગીય ટેન્કરો તો ચાલુ જ છે, ત્યારે ગામડામાં પાણી પહોંચાડાય તેવી માંગ પ્રવર્તે છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer