`ભાજપને કચ્છમાં સવાઇ સરસાઇ મળશે ''

`ભાજપને કચ્છમાં સવાઇ સરસાઇ મળશે ''
ભુજ, તા. 24 : અઢી લાખ કરતાં વધુ મતોની ઐતિહાસિક સરસાઇ સાથે ચૂંટાઇ આવ્યા પછી પહેલી જ ટર્મમાં પાંચ વર્ષના ગાળા દરમ્યાન કરેલી નેત્રદીપક કામગીરીની કદર કરતાં લોકસભા ચૂંટણી માટે કચ્છના ઉમેદવાર તરીકે પુન: પસંદગી પામેલા સાંસદ વિનોદભાઇ ચાવડાએ 2019માં પણ કાર્યકરોની સહિયારી જહેમતથી સવાઇ સરસાઇનો વિશ્વાસ વ્યક્ત  કર્યો હતો. ભાજપનાં કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા નામની ઘોષણા કરાયાના બીજા દિવસે રવિવારે રાજ્યમંત્રી, ધારાસભ્ય સહિત મોવડીઓની હાજરી વચ્ચે કાર્યકર સમુદાયને સંબોધતાં યુવા સાંસદ શ્રી ચાવડાએ વિકાસનાં કરેલા કામો ઘેર ઘેર સુધી લઇ જઇને કામે લાગી જવા અપીલ કરી હતી. કચ્છને પાસપોર્ટ કેન્દ્ર અપાવી માત્ર સાડા ત્રણ વર્ષમાં 40 હજાર પાસપોર્ટ અપાવવા સાથે મુદ્રા યોજના તળે 28 હજાર યુવાનોને બેંક લોન, આયુષ્માન યોજના તળે માત્ર બે મહિનામાં 80 હજાર કાર્ડ, 75 હજાર ગેસ જોડાણ, ઘડુલી-સાંતલપુર માર્ગ, નર્મદા નહેર જેવાં વિકાસ કામો મતદારોને યાદ અપાવીને જંગી જનાદેશ મેળવવા માટે કામ કરવાની હાકલ તેમણે કરી હતી. સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે 900 ગામોમાં કાર્યકર તરીકે ઘૂમીવળીને કચ્છની આબરૂ વધારનાર યુવા સાંસદને ફરી સંસદમાં મોકલવાની જવાબદારી નિભાવવા કાર્યકરોને હાકલ કરી હતી. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, પહેલી જ વાર લડીને ચૂંટાયા પછી અનેક કામો કરીને લોકપ્રિય બની ગયેલા વિનોદભાઇ સાંસદ તરીકે નીવડેલા નેતા છે. હવે અગાઉ મળી હતી, તેથીયે ઘણી વધુ લીડ સાથે તેમને વિજય અપાવવાની હાકલ તેમણે કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે પક્ષના પ્રત્યેક કાર્યકર સોંપાયેલી જવાબદારી સ્વીકારી સમયસર સતત સક્રિય રહે, તેવું સૂચન કરતાં વિકાસની રાજનીતિ લોકો સમક્ષ લઇ જવાની હાકલ કરી હતી. પૂર્વધારાસભ્ય પંકજભાઇ મહેતાએ પણ નર્મદાની નહેર જેવાં વિકાસ કામો રૂપે પક્ષનો સંદેશ જણે જણ સુધી પહોંચાડવાની હાકલ કાર્યકરોને કરી હતી. ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ લતાબેન સોલંકી, ઉપનગરપતિ ડો. રામ ગઢવી, દેવરાજભાઇ ગઢવી સહિત આગેવાનો જોડાયા હતા. સંચાલન અને આભારવિધિ બાલકૃષ્ણ મોતાએ કર્યા હતા. ઘનશ્યામ સી. ઠક્કર, અનવર નોડે સહિતના કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer