હું છું ઉમેદવારની ભાવના કાર્યકરો અપનાવે

હું છું ઉમેદવારની ભાવના કાર્યકરો અપનાવે
ગાંધીધામ, તા. 24 : આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાની વિસ્તૃત કારોબારી યોજી ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું હતું. આ વેળાએ કોંગ્રેસના ઉમેદવારને જિતાડવા તન-મન-ધનથી કામે લાગી જવા કાર્યકરોને અનુરોધ કરાયો હતો તેમજ પક્ષના મોવડીઓએ માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી દરમ્યાન ગાંધીધામ સંકુલના મજૂર અગ્રણી અને અંજારના દલિત આગેવાને કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.વિસ્તૃત જિલ્લા કારોબારીમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કચ્છમાં નર્મદા નીર ખેડૂતો માટે મળે તે માટે શું કર્યું? ગાંધીધામ સંકુલની લીઝ હોલ્ડ જમીનો ફ્રી હોલ્ડ કરવાનો પ્રશ્ન કોંગ્રસની સરકારે ઉકેલ્યો, પરંતુ રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાંય તેનું અમલીકરણ થઈ શક્યું નથી. કચ્છના સાંસદે આ જટિલ પ્રશ્ન માટે કેટલીવાર રજૂઆત કરી તેવો સવાલ પૂછવા શ્રી જાડેજાએ મતદારોને અનુરોધ કર્યો હતો. તેમણે આગામી એક મહિના સુધી તન-મન-ધનથી કોંગ્રેસના ઉમેદવારને જિતાડવા કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, ભાજપના લોકસભાના ઉમેદવાર જાહેર થયા તેમ હું કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરું છું, અને તે છે પંજો. તેમણે કાર્યકરોને એકજૂટ થઈ રાહુલ ગાંધીને જિતાડવા હાકલ  કરી હતી. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક કાર્યકર હું છું ઉમેદવાર એવી ભાવના સાથે મહેનત કરે. જિલ્લા કોંગ્રેસના અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, એઆઈ- સીસી કો-ઓર્ડિનેટર વેદપ્રકાશ, જમનાબેન વેગડા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા વગેરેએ પ્રાસંગિક વક્તવ્યમાં કાર્યકરોને માર્ગદર્શન આપી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી.આ વેળાએ અંજારના દલિત આગેવાન ભરત સોલંકી, ગાંધીધામ સંકુલના મજૂર અગ્રણી અને કચ્છ જનરલ મજદૂર સંઘના પ્રમુખ સંતોષ મિશ્રા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. આ બંને અગ્રણીઓને પક્ષના પદાધિકારી-ઓએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.આ વેળાએ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, ભચુભાઈ આરેઠિયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમા, તુલસી સુજાન, પૂર્વ ધારાસભ્ય વાલજી દનિચા, નરેશ મહેશ્વરી, રફીક મારા, ઓસમાણ ગની માંજોઠી, ચેતન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આરંભમાં શહેર કોંગ્રસ પ્રમુખ સંજય ગાંધીએ સ્વાગત પ્રવચનમાં સૌ મહેમાનોને આવકાર્યા હતા. કારોબારી બેઠકના આરંભે વંદે માતરમ્ અને સમાપન રાષ્ટ્રગીતના ગાનથી કરાયું હતું. આ વેળાએ ભારત માતા કી જયના નારાથી સભાસ્થળ ગુંજી ઊઠયું હતું. સંચાલન રમેશ ગરવાએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer