લખપતના સરહદી ગામો તંત્રના વાંકે પંદર દિવસથી પીવાનાં પાણીથી વંચિત

લખપતના સરહદી ગામો તંત્રના વાંકે પંદર દિવસથી પીવાનાં પાણીથી વંચિત
કોરિયાણી (તા. લખપત), તા. 24 : તાલુકાના સરહદી ગામો પાણી પુરવઠા તંત્રની બેદરકારીના કારણે છેલ્લા પખવાડિયાથી  પીવાનાં પાણીથી વંચિત હોવાનો અહીંના જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્ય હઠુભા એસ. સોઢાએ  આક્ષેપ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે,  જીએમડીસીના ડિસેલિનેશન પ્લાન્ટનું પાણી સારું ન હોવાથી લોકોને  પીવાલાયક નથી.  આમ છતાં મજબૂરી એવી છે કે, પાણીનો કોઇ જ સોર્સ ન હોવાથી આવા પાણીથી ભરાતા અવાડામાંથી દૂષિત પાણી પીવા માટે મહિલાઓને ભરવું પડે છે. આથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતાં તંત્ર જવાબદારો સામે પગલાં ભરે. જિ.પં. સભ્ય શ્રી સોઢાએ આક્ષેપ કર્યો હતો કે, લખપતના  સરહદી કોરિયાણી, કપુરાશી, મુંધવાય, માલડો,  ખેંગારપર, નાની અને મોટી છેર, બૈયાવા, શિણાપર, પુનરાજપર, નરેડી, મુડિયા, બાલાપર, કૈયારી વગેરે ગામો પાણી પુરવઠાના સ્થાનિક ના.કા.ઇ.ની ફરજમાં બેદરકારીના કારણે  છેલ્લા પખવાડિયાથી  પીવાનાં પાણીથી  વંચિત છે. આ જિ.પં. સભ્યએ  વધુમાં ઉમેર્યું હતું કે, લોકોને પીવાનાં પાણીના  વૈકલ્પિક સ્રોતમાંથી કોઇપણ વ્યવસ્થા વગર તાલુકાના પાઇપલાઇન પાથરવાના કોન્ટ્રાક્ટર સાથે મળી ગેરરીતિ આચરે છે. આગેવાનો અને લોકપ્રતિનિધિઓને ગેરમાર્ગે દોરે છે. તેથી તમામ લોકપ્રતિનિધિઓની માગણી છે કે,  લોકોને પીવાનું પાણી પૂરું પાડવા અન્ય ના.કા.ઇ.ને  યુદ્ધના ધોરણે કામગીરી સોંપવામાં આવે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer