ગાંધીધામમાં ધમધમતું વેપારી પીઠું ખન્ના માર્કેટ

ગાંધીધામમાં ધમધમતું વેપારી પીઠું ખન્ના માર્કેટ
ગાંધીધામ, તા. 24 : ગાંધીધામમાં મુખ્ય બજારની પાસે તથા કલેક્ટર રોડને જોડતી જગ્યા ઉપર વિશાળ સંકુલ ઉભું છે, જેમાં વિવિધ ચીજવસ્તુઓનું છૂટક તથા જથ્થાબંધમાં વેચાણ થાય છે, જે પાંચ દાયકાથી વધારે સમયથી ખન્ના માર્કેટના નામે ઓળખવામાં આવે છે, જેણે આજેય પોતાનું મહત્ત્વ જાળવી રાખ્યું છે. આ સંકુલની મુલાકાત `કચ્છમિત્ર' દ્વારા લેવામાં આવી ત્યારે જે રીતે પંચરંગી શહેર તરીકે  ગાંધીધામ ઓળખાય છે તે રીતે આ વિસ્તાર વિવિધ ચીજવસ્તુઓ સામગ્રીના ભંડાર સમ જોવા મળ્યા, જેમાં 136  જેટલી નાની-મોટી દુકાનો છે જેમાં કેરોસીન, મચ્છી, મસાલા, વાસણ, અનાજ, ફળ વગેરેનું વેચાણ થાય છે. ભૂતકાળની  વાતો પણ?જાણવા જેવી છે. `મેઘદૂત' વાળા પ્રેમજીભાઇ સોમેશ્વરે જણાવ્યું હતું કે, લગભગ 1950-55ના ગાળામાં આ માર્કેટ બની હશે. કારણ કે, તેઓ જાતે 1958-59થી તો જેમની તેમ ધબકતી જુએ છે.  ભાઇપ્રતાપ એ ગાંધીધામ-આદિપુરના આર્ષદૃષ્ટા હતા અને શહેરનું આયોજન એવી ખૂબીથી કરાવ્યું કે, લોકોને હાથવગી બધી સગવડો સરળતાથી મળે અને તે રીતે `ખન્ના માર્કેટ'નું પણ નિર્માણ થયું. ભાઇપ્રતાપના આજીવન શુભેચ્છક એવા ગોપલાણીભાઇ તથા સાંઇનાથ પ્રિન્ટીંગવાળા ચંદ્રભાઇએ જણાવ્યું કે, ભાઇપ્રતાપની એક ખૂબીની વાત એ  હતી કે, ભાઇપ્રતાપની નેકી કર ઔર સમુદ્રમેં ડાલ, અર્થાત કોઇ કામ તેમણે જાતે કર્યું હોય કે, કરાવ્યું હોય તો પણ તેનો યશ બીજાને આપતા.`ખન્ના માર્કેટ' તેનું ઉદાહરણ છે. વિવિધ નાગરિકો, આગેવાનો, સામાજિક કાર્યકરોને `ખન્ના માર્કેટ' નામ કેમ પડયું તે વિશે પૂછતાં સ્પષ્ટતાથી કોઇ જણાવી નહોતા શક્યા. એસ.આર.સી.ના અગ્રણીના જણાવ્યા પ્રમાણે ખન્ના કરીને એક એન્જિનીયર હતા, જેમણે આ માર્કેટનું પ્લાનિંગ કરેલું, એટલે તેમનું નામ આપવામાં આવ્યું. જે રીતે `સુંદરપુરી' નામ સુંદરદાસના નામે પડેલું અથવા `સરદારગંજ' સરદાર પટેલના નામે, ગાંધીધામ મહાત્મા ગાંધીના નામે પડયું છે.  જ્યારે બીજા કેટલાકના મતે કચ્છના એ સમયના  સરકારી અધિકારી (કદાચ કલેક્ટર)ના નામે ખન્ના માર્કેટ નામ પડયું હોવું જોઇએ.  અલબત્ત ઘણાઓના કહેવા મુજબ આટલા દાયકાઓ બાદ પણ આ સવાલ તેમના મગજમાં આવ્યો જ નથી. અલબત્ત આ કારણે આ જગાની મહત્તા જરા પણ ઘટી નથી ! `ખન્ના માર્કેટ'માં કોઇ કારોબારી વહીવટકર્તા બોડી કે પંચાયત નથી, પરંતુ ફ્રૂટ-વેજીટેબલ એસોસીએશન હાલ થોડા મહિનાથી બનેલું છે જે ખન્ના માર્કેટમાં રહી કામ કરે છે, જેના પ્રમુખ જામનદાસભાઇએ  જણાવ્યું કે, વહેલી સવારના  ગામડાંથી આવેલા શાકભાજી, બહારથી આવેલા ફળ વગેરે ત્યારબાદ અનાજ કરિયાણા વગેરેનું કામ ચાલતું જ હોય છે. મસાલાઓની ચક્કીઓ, કપાસ પિંજવાના સાધનોથી કપાસનું કામ પણ ચાલતું હોય છે. બારદાનવાળા પણ અહીં પોતાનું કામ કરતા હોય છે. કોઇ ચોક્કસ વહીવટી બોડી ન હોવા છતાં બધા જ કામ સરળતાથી અને આપસી સહકારથી ચાલે છે એ મોટી વાત છે. `ખન્ના માર્કેટ'માં હવે કામનો વ્યાપ વધતાં બાજુમાં બીજું અનાજ-રસકસનું પીઠું પણ કાર્યરત છે. તે રીતે જ માર્કેટ સામે ફળ-શાકભાજીવાળાની કેબિનો પણ ઉભી છે.  રોજના સેંકડો માણસો જેમાં મજૂરો, દહાડિયા, છકડા, રીક્ષા, હાથગાડીવાળા, નાની ટ્રકો બધાને કામ મળતું રહે છે. `ખન્ના માર્કેટ'નું કામ એ જૂની ભુજની કે માંડવીની ભીડ બજાર જેવું જ છે. પણ અહીં ચોક્કસ બંધાયેલી દીવાલોની વચ્ચે ચાર ગેટ ધરાવતી માર્કેટ તરીકે કામ થાય છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer