મેઘપર (બો)ની દુકાનમાંથી ચોરો કાજુ, બદામ, ઘી, તેલ ચોરી ગયા

ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગાયત્રી નગર-બેમાં આવેલ કરિયાણાની  એક દુકાનના તાળાં તોડી નિશાચરો તેમાંથી રૂા. 89,500નું તેલ, ઘી, કાજુ, બદામ વગેરે વસ્તુઓની ચોરી કરીને  નાસી ગયા હતા. મેઘપર બોરીચીના ગાયત્રીનગર-બેમાં પ્લોટ નં. એ-48, 49માં રહેતા અને ત્યાં જ જશવંતી માતા જનરલ સ્ટોર નામની દુકાન ધરાવતા સુનીલ સુરેશ ક્રિષ્નાની (ભાનુશાલી)ની બંધ દુકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. ગત તા. 21 અને 22ની રાત્રિ દરમ્યાન નિશાચરો  આ બંધ દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા. અંદર ઘૂસેલા આ શખ્સોએ અંદરથી તિરૂપતિ તેલના 15 કિલોના 15 ડબ્બા, પાંચ લિટરના પાંચ ડબ્બા, 1 લિટરના 30 ડબ્બા, અડધા લિટરના 25 ડબ્બા, ફોર્ચ્યુનના 1 લિટરના40 બોટલ, અડધા લિટરની 30 બોટલ, સનફ્લાવર તેલની 1 લિટરની 40 બોટલ, પતંજલિ તેલની 1 લિટરની 16 બોટલ, અડધા લિટરની 12 બોટલ,  અમૂલ કંપનીના 1 કિલોના ઘીના 16 ડબ્બા તથા અડધા કિલોના 20 પાઉચ, સાગર ઘીના 1 કિલોના 10 ડબ્બા, અડધા કિલોના 20 પાઉચ, ગોવર્ધન કંપનીના 1 કિલોના 14 ડબ્બા,  અડધા કિલોના 22 ડબ્બા, 25 કિલો ચોખાના ચાર કટ્ટા (બોરી), 50 કિલો ખાંડ, 10 કિલો ઘઉં, રોકડ રૂા. 9500 તથા કાજુ, બદામ, સાબુ, સર્ફ, અથાણા, મરચાં, હળદર, ધાણા, ચાપતીના ડબ્બા, સ્ટેશનરી,  ગુટખા, સિગારેટ વગેરે રૂા. 89,500ની વસ્તુઓની ચોરી કરીને નાસી ગયા હતા. ચોરી કરવા આવેલ આ શખ્સો કોઇ મોટા વાહનમાં આવ્યા હોવાનું અનુમાન લગાવીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer