આદિપુરમાં કામધંધા અંગે ઠપકો આપતાં યુવાને ગળેફાંસો ખાધો

ગાંધીધામ, તા. 24 : આદિપુરના વોર્ડ-2-બીમાં કામધંધા અંગે ઠપકો મળતાં ધનજી જીવા પરમાર (ઉ.વ. 42) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજીબાજુ ગાંધીધામના એરપોર્ટ ચોકડી નજીક એક્ટિવા પરથી પટકાતાં આદિપુરના વિદ્યાપ્રસાદ જોગેશ્વરપ્રસાદ ડોબરીયાલ (ઉં.વ. 62) નામના વૃદ્ધનું મોત થયું હતું. આદિપુરના વોર્ડ-2-બીમાં રહેતા ધનજી પરમારે આજે  બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પાલિકામાં હંગામી નોકરી કરતા આ યુવાન એકાદ મહિનાથી કામે જતો નહોતો. કામધંધો ન કરતાં તેના પિતાએ ઠપકો આપ્યો હતો, જે અંગે લાગી આવતાં આ યુવાને આજે બપોરે પોતાના ઘરે લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બીજીબાજુ એરપોર્ટ ચાર રસ્તા નજીક તા. 21/3ના અકસ્માત સર્જાયો હતો. આર્મીમાંથી નિવૃત્ત અને હાલમાં કંડલા એરપોર્ટમાં ખાનગી સુરક્ષા કર્મી તરીકે કામ કરનાર વિદ્યાપ્રસાદ એક્ટિવા નંબર જી.જે. 12-ડીબી 9878 લઇને બપોરે ઘરે જમવા આવી રહ્યા હતા, દરમ્યાન તેમની ગાડી રોડ નીચે ઉતરી જતાં અને આ વૃદ્ધ નીચે પટકાતાં તેમનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer